પૃષ્ઠ:Rasdhar5.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શેત્રુજીને કાંઠે
77
 

ઘેર જાતી અને હાકલ કરીને કહેતી કે “એલા દેવરા, રોજ પાડરું હાંકવું ભૂલી જાછ, તે ભાન ક્યાં બળ્યું છે ? આયરનો છોકરો થઈને આવો ભૂલકણો કાં થિયો ? આ લે, હવે જો ભૂલીશ તો હું મારાં ડોબા ભેળું હાંકી જઈશ.”

દેવરાની રંડવાળ મા આ કુંજના બચ્ચા જેવી છોકરીને ટીકી ટીકીને જોઈ રહેતી અને એને ઊભી રાખીને ધોળા તલનું ગૂંજું ભરાવી કહેતી : લે, માડી આણલદે, તું રોજ પાડરું મેલવા આવછ તેનું આ મહેનતાણું.”

તરત દેવરો બોલતો : “મા, દા’ડી દા’ડી તમે એને તલનાં ગૂંજાં કાં ભરાવો ? ઈ તો હેવાઈ થઈ જાશે હો ! પછી નત્ય ઊઠીને ઉંબરા ટોચશે.”

દાંત કાઢીને છોકરી પોતાને નેસડે ચાલી જતી.

ડોશી પાડોશીના ઘરમાં જઈને વગર બોલાવી, વગર સાંભળે, વેવલી બનીને કહેતી : “જો તો ખરી, બાઈ ! કેવી જોડ્ય મળી જાય છે. આવી છોડી આંગણે આવે તો મારે ભવની ભૂખ ભાંગી જાય ને ?”

“પણ ડોશી ! તમે રાજા માણસ કાં થાવ ? ક્યાં હરસૂર આયરનું ખોરડું ને ક્યાં તમારો કૂબો !”

“ઠીક, માડી ! થિયું ત્યારે !” એમ બોલી ડોશી ડુંગર જેવડો નિસાસો મૂકતી.

આણલદેના અંગ ઉપર બાળપણ ઊતરીને હવે તો જોબનના રંગ ચડતા થયા છે. માથા ઉપરથી મોશલો ઊતરીને હવે તો ચૂંદડી ઓઢાઈ ગઈ છે. હવે આણલદે ભેંસો ચારવા આવતી બંધ થઈ છે. પણ સવાર-સાંજ માથે પીત્તળની હેલ્ય મેલી નદીએ પાણી ભરવા નીકળે છે : તે વખતે જ એકબીજાની સાથે ચાર આંખોના મેળાપ થાય છે, અને એમાંય તે, આંખો હજુ મળી ન મળી હોય ત્યાં તો બેય જણાંની પાંપણો, કંજૂસ માણસના પટારાની જેવી તરત નીચી ઢળી પડે છે. બાળપણની એટલી છૂટી જીભ પણ જાણે આજ કોઈ અદીઠ કારણથી ઝલાઈ ગઈ છે ને મોંમાંથી વાચા ફૂટતી નથી. વીરડાને કાંઠે બેસીને પાણી ઉલેચતી પોતાની બાળપણની ભેરુડીની ચૂંદડીના છેડા નદીના વાયરાની અંદર ફરકતા હોય અને એમ