પૃષ્ઠ:Rasdhar5.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

 કોટિ કોટિ વર્ષો વીત્યાં, પણ કદીયે તમારા ઉદય-કાળમાં એક ઘડીનીયે ચૂક નથી પડી. સદાયે અચૂક ક્ષણે ઊગતા આવ્યા છો.

તેજ-પંજર, તિમ્મર-ટળણ,
ભયા કાશપકુળ-ભાણ,
અમલાં વેળા આપને,
રંગ હો, સૂરજરાણ!


કશ્યપકુળના હે ભાનુ ! તેજના પુંજ ! હે તિમિરના ટાળણહાર ! હે રાજા ! કસુંબાની અંજલિ લેવાને આ સમયે અમે આપને જ રંગ દઈએ છીએ. આપના નામનો ધન્યવાદ ગજાવી અમે અફીણ પીએ છીએ.

સામસામા ભડ આફળે,
ભાંગે કેતારા ભ્રમ્મ,
તણ વેળા કાશપ તણા
(તમે)સૂરજ રાખો શરમ્મ.


સામસામા શૂરવીરો લડી રહ્યા હોય, ભલભલા વીર પુરુષોની આબરૂ પણ ધૂળ મળતી હોય, તેવે યુદ્ધને ટાણે, હે સૂરજ ! હે કશ્યપના (પુત્ર) ! તમે મારી ઇજ્જત રાખજો. મને મરદની રીતે મરવાની સુબુદ્ધિ દેજો. પીઠ દેખાડવાનો પાપી વિચાર કરવા ન દેજો.

તું ઊગાં ટળિયાં તમ્મર,
ગૌ છૂટા ગાળા,
તસગર ભે ટાણા,
દન કર કાશપદેવાઉત !

હે કશ્યપદેવના કુંવર ! તું ઊગતાં તો તિમિર ટળ્યાં, ગાયોની ડોકેથી ગાળા છૂટ્યા અને ચોરનો ભય ભાગ્યો. દિવસ થયો.

અળ પર ઊગતાં અરક,
ઓસડ તું અંધાર,
થે ઝાલર ઝણકાર,
દીઓળે કાશપદેવાઉત !

[9]