પૃષ્ઠ:Rasdhar5.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
78
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

થાતાં માથાનો સવા ગજ ચોટલો બહાર ડોકિયાં કરી જાતો હોય તે જોવામાં પણ એબ છે એવું માનનારો દેવરો આયર, નીચે ઢળેલ પોપચે, ભેખડ ઉપર સૂનમૂન બેઠો રહેતો.

આણલદેનો બાપ માનશે, એ આશા હજુ દેવરે ખોઈ નથી. બરાબર એ જ વખતે હરસૂર આયરના ઘરમાં ધણી-ધણિયાણી વચ્ચે આવી વાતો ચાલી રહી છે :

“ના, ના, મારી સાત ખોટ્યની એક જ દીકરીને એ ડોસલીનાં ગોલાપાં કરવા સારુ ઢોરની જેમ દોરી નથી દેવી. માવતરમાં ખાધાનું ને પહેર્યાઓઢ્યાનું અઢળક સુખ લીધું, અને હવે એને રાંકના ઘરમાં જઈ થીગડાં પેરવાં, ખરું ને ?”

“અરે આયરાણી, બેય જણાંને નાનપણની પ્રીત્યું છે, અને શું દીકરીને એ દખી થવા દેશે ? વળી આપણને કરિયાવર કરવાની ક્યાં ત્રેવડ નથી ?”

“આપણે સોને મઢીએ તોયે પીટ્યાં ઉતારી લેશે. એને બે તો છોડિયું છે. આંકેલ સાંઢ જેવી ઈ બેય નણંદું બાપડી દીકરીનાં ઘરાણાં-લૂગડાં પેરી ફાડશે. મારે ઈ નથી કરવું. હું તો અછોઅછો સાયબીમાં દીકરીને દેવાની છું. અને આપણે ક્યાં ચિંતા છે ? સો ઠેકાણેથી આયરો અવાયા પડે છે.”

“પણ છોડીનું મન....”

“ઈ તો અણસમજુ કહેવાય. બે દી આંસુડાં પાડશે. પછી વૈભવ ભાળશે ત્યાં બધુંય વિસારે પડી જાશે.”

“ઠીક ત્યારે !” કહીને આણલદેનો બાપ ડેલીએ ચાલ્યો ગયો.

નેસને પાદર પરગામની બંદૂકો વછૂટી. ઢોલત્રાંસાં ધડૂક્યાં. શરણાઈઓના મીઠા સૂર મંડાણા. પરદેશી આયરની જાન વાજતે-ગાજતે સામૈયે ગામમાં ગઈ, અને તલવારધારી મોડબંધાએ પોતાના ગોઠણ સુધી ઢળકતા લાંબા હાથે સાસરાની ઊંચી ઊંચી ડેલીએ ઊભા રહીને તોરણનું પાંદડું તોડ્યું. વરરાજાનાં તો બબ્બે મોઢે વખાણ થવા લાગ્યાં, અને આયરોની દીકરીઓએ ઓરડે જઈને આણલદેને વાત કરી : “બેન, આવો આયર કોઈ