પૃષ્ઠ:Rasdhar5.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શેત્રુજીને કાંઠે
79
 

દી ગામમાં પરણવા આવ્યો નો’તો. તું તો બહુ ભાગ્યશાળી !”

રાંદલમાના અખંડ બળતા બે દીવલડાની સામે બેઠેલી ડિલ ભાંગી પડે એટલાં સોનારૂપાંમાં શોભતી આણલદેનાં બેય નેત્રોમાંથી ડળક ડળક આંસુડાં ચાલવા લાગ્યાં; દીવાની જ્યોત એ પાણીવાળી આંખોમાં ઝળહળી ઊઠી, અને રાંદલમાની મૂર્તિ સામે બે હાથ જોડીને મનમાં મનમાં આણલદે બોલી : “હે મા ! તું સૂરજદાદાની રાણી થઈને મારી ફજેતી થાવા દઈશ ? તારા સતના દીવડા બળે છે, ને શું હું ગાય ખાટકીવાડે દોરાય તેમ દોરાઈ જઈશ ?”

માંડવા નીચે ગામેગામના આયરો એકઠા મળ્યા છે. નિખારેલ પાણકોરાનાં નવાં લૂગડાં અને માથે પછેડીઓ પહેરી કૈંક જુવાનો કડિયાળી ડાંગ પછાડતા ટલ્લા મારે છે. વરલાડડો ઢોલરો દસેય આંગળીએ વેઢ પહેરીને બાજઠ ઉપર વીરભદ્ર જેવો શોભે છે. સહુ ફૂલગુલાબી થઈને ફરે છે. ફક્ત દેવરાના અંગ ઉપર જ ઊજળાં લૂગડાં નથી કે મોં ઉપર જરીકે તેજી. દેવરો ભાન ભૂલ્યો થઈને ભમે છે. બારી ઉઘાડીને આણલદે પછીતે નજર કરે છે, ત્યાં દેવરાને નીચે ઢળેલે માથે ચાલ્યો જતો દેખે છે. આણલદે કહે છે કે –

આ ભાઠાળા ભમે, (ઈ) રૂપાળાસું રાચું નહિ,
(તું) ડોલરિયો થઈને, માણ ને માંડવ દેવરા ![1]

“અરે દેવરા, આંહીં ભમનારા આયરો રૂપાળા છે, પણ એ નાદાનોનાં રૂપથી હું રાજી નથી. તું માંડવા નીચે શીદ નથી મહાલતો ?”

“આણલદે ! હવે તો ડોલરિયા થઈને ફરવાના દી વયા ગ્યા. હવે બળતાને શીદ બાળો છો, બાઈ ! હવે તો ભૂલી જાવ ને અંજળ-દાણોપાણી લખ્યાં છે તેની સાથે ફેરા ફરો, કંસાર જમો, સંસાર માંડો.”

“અરે દેવરા !”

મળિયા મૂઢ ઘણાય, મનસાગર મળિયા નહિ,
(તેની) તરસ્યું રહી તનમાંય, દલ અમારે દેવરો ![2]

“ને તું મને આજ શે દાવે ઠપકો દઈ રિયો છો ? બોલ્ય ! બોલી નાખ !