પૃષ્ઠ:Rasdhar5.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
8૦
સૌરાષ્ટ્રની સરધાર : 5
 


છે તારી હિંમત ? છે છાતીમાં જોર ? અબઘડી જ આ મીંઢળ તોડીને ચાલી નીકળું !”

દેવરાએ ડોકું ધુણાવ્યું.

“હાઉં ત્યારે. તું જ ઊઠીને મને દોરી દેછ ને !

ટોળામાંથી તારવ્યે, ઢાઢું દિયે ઢોર,
(એમ) ચિત અમારું ચોર, દોરી દીધું દેવરે ![3]

“દેવરા, ચોર જેમ પારકા પશુના ટોળામાંથી એક ઢોરને તારવી જઈને બરાડા પાડતું કોઈકને સસ્તે ભાવે વેચી નાખે છે, તેમ તું પણ આજ મને પશુતુલ્ય ગણીને પરાયાને હવાલે કરી રહ્યો છો; રડતી-કકળતીને દોરીને દઈ રહ્યો છો.”

વરઘોડિયાંને માયરે પધરાવ્યાં, ચોરીએ ચડી ચાર આંટા ફરવાનો સમય થયો પણ આણલદેની કાયા સ્થિર નથી રહેતી.

ફરતાં ચડે મું ફેર, મંગળ આંટા મન વન્યા,
(મારી) કેમ આંખ્યુંમાં અંધેર, ચિતડું ચગડોળે ચડ્યું.[4]

વરકન્યા કંસાર જમવા બેઠાં. પણ એ કંસાર તો કન્યાને મન વિષ જેવો છે :

ચોરી આંટા ચાર, (હું) ફડફડતે દલડે ફરી,
(પણ) કેમ જમું કંસાર, દ:ખ માને મું દેવરો.[5]

“શેત્રુંજી કાંઠે ઝાડવે ઝાડવાની ને જળની માછલીઓની સાખે મેં જેની સાથે એક ભાણે બેસીને રોટલા ઘડવાના મીઠા કોલ દીધા, એ પુરુષને ત્યજી હું આજ કોની સાથે કંસારના કોળિયા ભરવા બેઠી છું ? અરેરે, આયરાણીના બોલનું શું આટલું જ મૂલ !’ વિચારી વિચારીને કન્યા ઝૂરે છે. કુળમરજાદનાં લંગર જેને પગે પડી ગયાં, તેનાથી નાસી છુટાતું નથી.

જાન ઊઘલવાની વેળા થઈ છે. પાનેતરનો ઘૂમટો તાણીને ઓરડાની પાછલી પરસાળે થાંભલી ઝાલીને ઊભી છે. શું કરું ? જીભ કરડીને મરું ? કે છેડાછેડીની ગાંઠ છોડીને વનરાવનના મારગ લઉં ? એવા મનસૂબા કરે છે ત્યાં દેવરો આવીને ઊભો રહ્યો.