પૃષ્ઠ:Rasdhar5.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શેત્રુંજીને કાંઠે
81
 

 “આણલદે ! બાળપણનો ભેરુબંધ આજ છેલ્લી આશિષ દેવા આવ્યો છે.”

સિધાવો ભલે સજણાં, લિયો લાખેણા લાવ,
દેવરા કેરા દાવ, અમ કરમે અવળા પડ્યા.[6]

અંતર વલોવાઈ જતું હતું તેને દબાવીને દેવરો કોઈ પ્રેત હસે તેમ હસ્યો.

“હા ! હાં ! દેવરા, જાળવી જા !”

દેવરા, દાંત મ કાઢ્ય, દોખી તારા દેખશે,
હસવું ને બીજી હાણ્ય, વાતું બેયની વંઠશે.[7]

“આણલદે ! હવે વળી વાત વંઠીને શી થવાની હતી ? હવે હતું એટલું તો બધુંય હારી ગયાં. મારાં નાનપણથી સાચવેલાં રતન આજ રોળાઈ ગયાં. હવે શેની બીક છે ? સિધાવો, આણલદે ! અને હવે ભૂલી જજો.”

“થયું. હવે તો દેવરા !”

કોથળ કાંધ કરે વાલમ થાજે વૈદ,
આવજે તું આહીર, દેશ અમારે દેવરા.[8]

“કોઈ દિવસ મારી માંદગી તપાસવા વૈદને વેશે ઓસડિયાંની કોથળી ખંભે નાખીને અમારે દેશ આવજે, દેવરા !”

સામવિયું સગા, (કે’ તો) પાલખિયું પુગાડિયે.
આવ્યું આષાઢા, ડમ્મર કરીને દેવરા ![9]

“હે સ્વજન, તું કહે તો તને લેવા માટે હું સામી પાલખી પહોંચાડીશ. આષાઢીલા મેઘ સમ પિયુ, તારો મેઘાડમ્બર કરીને પ્રીતનાં નીર વરસાવવા આવજે !”

આણલદે વેલ્યુમાં બેઠી. પૈડાં સિંચાણાં; નાળિયેર વધેરાયાં અને જોતજોતામાં તો વેલડું શેત્રુંજી-કાંઠાનાં ઝાડવાં વળોટી ગયું. ઘૂઘરમાળના રણકાર, આઘે આઘેના વગડામાં આણલદે રોતી હોય તેના રુદનસ્વર જેવા, પાદર ઊભેલો દેવરો સાંભળતો રહ્યો.