પૃષ્ઠ:Rasdhar5.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શેત્રુજીને કાંઠે
83
 

 મનની વરાળને પાણી કરીને પાંપણે ટપકાવતી આણલદે વીરડાને કાંઠે આવી. આવીને મંત્ર બોલે તે રીતે મનમાં બોલી :

(આ) વેળુમાં વીરડો, ખૂંદ્યો ન ખમે વીર,
(પણ) આછાં આવજો નીર, જે દૃશ્ય ઊભો દેવરો.

“આ મારો વીર વીરડો, બીજી સ્ત્રીઓનાં ખૂંદણ ખમી શક્યો નહિ, એનાં પાણીને ચોખ્ખા કરવાનું કોઈથી ન બન્યું. અને હવે એને કટલોક ખૂંદવો ! હવે તો હે તો, વિધાતા, જે દિશામાં મારો પ્રિયતમ દેવરો ઊભો હોય તે દિશામાંથી આછાં નીરની સરવાણીઓ ચાલી આવજો.”

એટલું કહીને જ્યાં આણલદેએ એક જ છાપવું ભરીને વીરડો ઉલેચ્યો. ત્યાં તો પોતાના પિયરની દિશામાંથી વીરડામાં આછી સેર્યો આવવા લાગી. દેવરાનો સંદેશો દેતી હોય તેમ સરવાણીઓ બડબડિયાં બોલાવી દેવરાના અંતર સરીખા ચોખ્ખા પરપોટા પાણી ઉપર ચડાવવા લાગી. ઘડીક વારમાં તો વીરડો જાણે મોતીએ ભર્યો હોય તેવી કાળી, વાદળી, લીલી, પીળી ને ધોળી કાંકરીઓ પાણીને તળિયે ચળકી રહી. આખી જાને આછું પાણી પીધું. જાનડીઓમાં વાતો ચાલી કે ‘વાહ રે વહુવારુનાં હેત ! ઢોલરો કેવી નસીબદાર !’

વરઘોડિયાંનાં સામૈયાં થાય છે. ઢોલરાનું કળશી કુટુંબ કુળવહુવારુનો પગલાં થયા જાણીને કોડે ઊભરાય છે, પણ વહુને તો એ હેતપ્રીતમાં ક્યાંય જીપ નથી :

સામૈયાના સૂર, ફૂલ-દડો ફાવે નહિ,
દેવરો મારે દૂર, ઢોલરે મન ઢળે નહિ.

વરઘોડિયાંને ફૂલદડે રમાડો : ગલાલની કોથળીઓ ભરાવો : ઢોલરાને લગનનો પૂરેપૂરો લહાવો લેવરાવો : કોડભરી લાડકીને ઓછું ન આવવા દેજો : પણ –

મૂઠી ભરીને માર, ગલાલનો ગોઠે નહિ,
અંતરમાં અંગાર, દેવરા વણ દાજ્યું પડે.