પૃષ્ઠ:Rasdhar5.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
84
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

 આણલદેનું શરીર ઢોલરાના હાથના ગલાલના માર શી રીતે ખમી શકે ! એને તો એ ગલાલની મૂઠીઓ સળગતા અંગારા સરખી લાગતી હતી. દેવરા વિના બીજાના હાથનો ગલાલ શે સહેવાય ?

થંભ થડકે, મેડી હસે, ખેલણ લગ્ગી ખાટ,
સો સજણાં ભલે આવિયાં, જેની જોતાં વાટ.

એવા ઉછાળા મારતા અંતરે ઢોલરો અધરાતે દાયરામાંથી છૂટો પડીને પોતાના ઓરડા તરફ ચાલ્યો આવે છે. ચારેય ભીંતે ચોડેલ ચાકળા-ચંદરવાનાં આભલાં ઉપર દીવાનું તેજ ચળકારા કરતું હોવાથી ઓરડામાં કેમ જાણે નાનકડું આભામંડળ ગોઠવાઈ ગયું હોય તેવું દેખાય છે. મારાં પગલાંના અવાજ ઉપર કાન માંડીને આયરાણી ક્યારની આતુર હૈયે ઓરડાને બારણે ટોડલા ઝાલીને ઊભી હશે, એવું ચિંતવતો ચિંતવતો ઢોલરો જ્યાં ઓશરીએ ચડે, ત્યાં તો ઊલટું પોતાની નવી વહુ મશ-ઢળેલા મોઢે ઓરડામાં બેઠેલી દેખીને એના ઉતાવળે ડગલાં દેતા પગ ઢીલા પડી ગયા. માતાએ ઉલટથી શણગારેલ ઓરડામાં આણલદેને શું કાંઈ ઊણપ લાગી હશે ? હસીને સામાં ડગલાં માંડવાને બદલે સૂનકાર હૈયે બેઠી કેમ રહી છે ? માવતરની લાડકવાયી દીકરીને મહિયર સાંભરતું હશે ? કે હું એને મનગમતો નહિ હોઉં ?

એવી ચિંતાએ ચડીને, સ્ત્રી જેમ પોતાના સ્વામીને મનાવવા કોમળ ઇલાજો કરે તેમ, પુરુષ પોતાની પરણેતરને રીઝવવા માટે મહેનત કરવા મંડ્યો : ચાલ આણલદે ! તારો ચોટલો ગૂંથી દઉં. તારા માથામાં ફૂલેલ તેલનાં કચોળાં ઠલવું. ચાલ, મન ઉપરથી ભાર ઉતારી નાખ.”

એમ કહીને ઢોલરો અડકવા આવ્યો, ત્યાં તો હરણી પારધીને દેખી ફાળ ભરે તે રીતે આયરાણી ખસીને આઘે જઈ બેઠી.

“કાં ?”

“કાં શું?

ચોટો ચાર જ હાથ, ગૂંથ્યો ગોરે માણસે,
(એના) ગુણની વાળેલ ગાંઠ, દોરો છોડે દેવરો.