પૃષ્ઠ:Rasdhar 2 - A.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨


ધૂંધળીનાથે ધ્યાન ધર્યું, રાણાના ભાગ્યમાં એણે બે દીકરા લખેલા વાંચ્યા: પણ એક જોગી, ને એક સંસારી. એણે કહ્યું : "રાણાજી ! બાર વરસે પાછે આવું છું. બે કુંવર તારે ઘરે રમતા હશે. ગુરુની આજ્ઞા છે કે આમાંથી એક તારો ને એક મારો. તૈયાર રાખજે. તે દી આંસુ પાડવા બેસીશ મા. બાર વરસે પાછો આવું છું."

બાર વરસને જાતાં શી વાર ? જટાધારી જોગીએ ચિતોડને પાદર અહાલેક જગાવ્યો. એટલે રાજારાણી બેય રાજકુંવરને આંગળીએ લઈ બહાર નીકળ્યાં. બેમાંથી એક ઘરાણેલૂગડે ભાંગી પડતો, અને બીજો મેલેઘેલે પહેરવેશે. રાજારાણી કૂડ કરીને તેજીલો દીકરો રાખવા માગતાં હતાં. પણ તેજની વિભૂતિ કાંઈ મેલે લૂગડે ઢાંકી રહે ? ને એય ધૂંધળીનાથની નજર બહાર રહે ? મેલાઘેલાને જ જોગીએ ઉપાડી લીધો. બાર વરસનો બાળકો દોટ દઈને ગુરુને કાંડે બાઝી પડ્યો. માતાપિતા નજરે દેખે તેમ એ બાર વરસના બાળકને માથું મૂંડાવી ભગવાં પહેરાવ્યાં. ભભૂત ધરી ચાલી નીકળ્યા. રાજારાણી ખોબે ખોબે આંસુ પાડતાં ચિતોડગઢ પાછાં વળ્યાં.

ધૂંધળીનાથે ચેલાને સિદ્ધનાથ કરી થાપ્યો. એના કાનમાં ગુરુમંત્ર ફૂંકયો અને ભેખના પાઠ ભણાવતા ભણાવતા આ આપણે ઊભા છીએ, ત્યાં આવી પહોંચ્યા. આ ઢાંક તે દી નહોતું. અાંહી તો પ્રેહપાટણ નગરી હતી. ચેલાઓને ગુરુએ કહ્યું : " બાપ, હું આ ડુંગરામાં બાર વરસની સમાધિ લગાવું છું. તમે સૌ ઘરોઘર ઝોળી ફેરવીને અાંહીં સદાવ્રત રાખજો, ભૂખ્યાંદુખ્યાં અને અપંગોને પોતાનાં ગણી પાળજો. મારી તપસ્યામાં પુન્યાઈ પૂરજો.”