પૃષ્ઠ:Rasdhar 2 - A.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

હાજર દેખ્યો. પૂછયું કે બીજા બધા કયાં છે? ચતુર સિદ્ધનાથે મોટું પેટ રાખીને ખેાટો જવાબ વાળ્યો; ગુરુને પટાવી લીધા.

ઘણાં વરસનો થાકયો સિદ્ધનાથ તે દિવસે બપોરે ઝાડવાને છાંયડે જંપી ગયો છે. શીળા વાયરાની લે'રેલે'રે એની ઉજાગરાભરી અાંખો મળી ગઈ છે. ગુરુજી ચેલાનાં અઢળક રૂપ નીરખી રહ્યા છે. શિષ્યના રૂડા ભેખ ઉપર અંતર ઠલવાય છે. તે વખતે સિદ્ધનાથે પડખું ફેરવ્યું, માથા ઉપરનું ઓઢણુ સરી પડયું, માથે એક માખી બેઠી. ગુરુને વહેમ આવ્યો. પાસે જઈને જોયું, માથામાં ખોબો મીઠું સમાય એવડું ઘારું પડયું છે. ગંધ વછૂટે છે.

ગુરુએ ચેલાને જગાડયો. પૂછયું : "આ શું થયું, બચ્ચા ?"

"કાંઈ નહિ બાપુ ! ગૂમડું થયું છે." સમદરપેટા સિદ્ધનાથે સાચું ન કહ્યું.

"સિદ્ધનાથ !" ગુરુની ભ્રકુટિ ચડી: "જોગ પહેર્યો છે એ ભૂલીશ મા. અસતથી તારી જીભ તૂટી પડશે. બોલ સાચું, ગુરુદુહાઈ છે."

સિદ્ધનાથ ધીરે રહીને વાતો કહેતો ગયો, તેમ તેમ ધૂંધળીનાથની આંખમાંથી ધુમાડા છૂટતા ગયા. તપસીનું અંતર ખદખદી ઊઠયું. અડતાલીસ વરસની તપસ્યાનો ઢગલો સળગીને ભડકા નાખતા હોય તેવું રૂપ બંધાઈ ગયું. હૈયામાંથી 'હાય! હાય! હાય !' એમ હાહાકાર નીકળી આભને અડવા માંડયા : "અરે હાય હાય ! જગતનાં માનવી ! દયા પરવારી રહ્યાં ! મારા બાળ સિદ્ધનાથ માથાની મૂંડમાં કીડા પડે ત્યાં સુધીયે ભારિયું ખેંચે ! અને મારી તપસ્યા ! ભડકે ભડકે પ્રલેકાર મચાવી દઉં ! મારે તપસ્યાને શું કરવી છે !