પૃષ્ઠ:Rasdhar 2 - A.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર: ૨

૧૦

પ્રેહપાટણ નહિ, પણ એવાં ચોરાસી પાટણ તે દી ધૂંધળીનાથે પોતાના ખપ્પર હેઠ ઢાંક્યાં અને એના મહાકંપમાં માયા તમામ મિટ્ટી બનીને ગારદ થઈ ગઈ.

ઓલી કુંભારણ જાતી હતી ભાગતી, પણ સીમાડે જાતાં એની ધીરજ ખુટી. પ્રલયની ચીસો સાંભળીને એણે પાછળ જોયું. મા ને છોકરાં ત્યાં ને ત્યાં પાણકા બની ગયાં. એ હજી ઊભાં, ઢાંકને સીમાડે !

આવું મહાપાપ કરનાર એ જોગીને માટે આબુ અને ગિરનાર માથે પણ હાહાકાર બોલી ગયો. નવ નાથ અને ચારાસી સિદ્ધોએ અવાજ દીધો કે "આજથી એની ચલમસાફી બંધ કરો ! બંધ કરો ! " કંઈક વર્ષોની કમાણી વેચીને ધૂંધળીનાથ સમાધિમાં બેઠા. સિદ્ધિઓ વિના એનો એ રાંક ધૂંધો કોળી થઈ ગયા. " ભાઈ ! ગમે તેવા તોય કેાળીનું દુધ ના !"

અાંહીં બાળા જોગી સિદ્ધનાથનું શું બન્યું ? ડુંગરે ઉભીને એણે પ્રેહપાટણ દટાતું દીઠું. દટ્ટણ પૂરું થયા પછી એના જીવ જંપ્યો નહિ. ગુરુએ કરેલા કાળા કામનું પ્રાછત શી રીતે થાય એ વિચારે એને ત્યાંથી ખસવા દીધો નહિ. અરેરે ! ઘડી પહેલાં જ્યાં હજારો નરનારી ને નાનાં છોકરાં કલ્લોલ કરતાં હતાં ત્યાં અત્યારે કોઈ હોંકારો દેવા પણ હાજર નહિ ? હું સિદ્ધનાથ : ગુરુએ ઉથાપ્યું તે હું થાપું તો જ મારી સિદ્ધિ સાચી. કોઈક આ નગરીનો અધિકારી આવશે. હું વાટ જોઈશ, મારાં તપ સંઘરીશ : એવું વિચારીને એ કંકુવરણા બાળાજોગીએ આસન ભીડ્યું. નાશ પામેલા એ થાનક ઉપર એનાં નેત્રોની અમૃતધારાઓ છંટાવા લાગી, બળેલું હતું તે બધું તેના પુણ્યને નીરે ઠરવા લાગ્યું.