પૃષ્ઠ:Rasdhar 2 - A.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧

ધુંધળીનાથ અને સિદ્ધનાથ

એક દિવસ સાંજ નમતી હતી. એાછાયા લાંબા થયા હતા. પ્રેહપાટણનું ખંડેર ખાવા ધાતું. એમાં બે જીવતાં માનવી ભટકે છે. ધૂળ ઉખેળી ઉખેળી ગોતે છે. અંદર ઊંધા વળી ગયેલાં પાણિયારાં, ખારણિયા ને મિટ્ટી થઈ ગયેલ ધાતુનાં વાસણો નીરખે છે. માને ધાવતાં બચ્ચાનાં મડદાં એમ ને એમ જામી ગયેલાં જુએ છે. જોઈ જોઈ ને બેય માનવી રોવે છે. જેગી સિદ્ધનાથે બેયને જોયાં, બોલાવ્યાં, પૂછયું : “ કોણ છો ?”

“આ અભાગી નગરીની હું રાજરાણી. આ મારા બેટો નાગાજણ જેઠવો.”

“કેમ કરીને બચી નીકળ્યાં ?”

“રાજાથી રિસામણે હું મારે પિયર તળાજે ગયેલી. કુંવર મારી ભેળો હતો.”

“બચ્ચા નાગાજણ ! હું તારી જ વાટ જોતો હતો. તું આવ્યો, બાપ ? મારી દુવા છે તને કે :

જેસો લંકેશ તેસો ઢંકેશ,
દુશ્મન માર વસાવ દેશ.

જેવો લંકાને સ્વામી રાવણ હતો તેવો જ તું આ ઢંક- આ ઢંકાયેલી નગરી–નો સ્વામી બનીશ. તારી ઢક (ઢાંક)લંકા નગરીને તોલે આવશે. માટે બેટા, ફરી વાર આંહી આપણે નગર વસાવીએ.

ઢંકાયેલા પ્રેહપાટણને ટીંબે નવું નગર બંધાવા લાગ્યું. ઢાંકે તો બીજાં નગરોને પોતાની રિદ્ધિસિદ્ધિમાં ઢાંકી દીધાં. સિદ્ધનાથે પોતાની કરણીના જોરે વસ્તીની વેલડી કોળાવી મુકી. નાગાજણ ચેલો અને સિદ્ધનાથ ગુરુ: બે જણાની જોડલીએ બળેલી વાડીને સજીવન કરી. એાલ્યોય જોગી અને આય જોગી, પણ બેમાં કેટલું અંતર! ગુરુના મહાદોહ્યલા દંડ ભરતો ભરતો જુવાન જોગી રાજી થતો હતો.