પૃષ્ઠ:Rasdhar 2 - A.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯

રા' નવધણ

"આ ફૂલ કયાંથી બચી નીકળ્યું ?" દીકરાદીકરીને ઘૂંટડેઘૂંટડા ભરાવતી આહીરાણી માતા પોતાને ખોળે આવનાર એ રાજબાળ ઉપર માયાભરી મીટ માંડી રહી.

" બીજી રાણિયું તો બળી મૂઈ, પણ આ સોમલદેને ખેાળે રાજબાળ ધાવણો હતો ખરો ના, એટલે એને જીવતી બહાર સેરવી દીધી. મા તો રખડીરવડીને મરી ગઈ, પણ આ બેટડાને એક વડારણે અાંહી પહોંચતો કર્યો છે. આપણે આશરે ફગાવ્યો છે."

" અહોહો ! ત્યારે તો મા વિનાનો બાળ ભૂખ્યો તરસ્યો હશે. ઝટ લાવો એને, આયર !" એમ કહીને આહીરાણીએ પોતાના ડાબા થાનેલા ઉપરથી દીકરીને વછોડી લીધી. બોલી : "બાપ જાહલ ! મારગ કર અા અાપણા અાશરા લેનાર સારુ. તું હવે ઘણું ધાવી, ને તું તો દીકરીની જાત : પા'ણા ખાઈનેય મોટી થાઈશ; માટે હવે આ નમાયાને પીવા દે તારો ભાગ."

એમ કહીને દેવાયતની ઘરવાળીએ જૂનાગઢના રાજફૂલના મોંમાંથી અંગૂઠે મુકાવીને પોતાનું થાન દીધું. ભૂખ્યો રાજબાળ ઘટાક ઘટાક ઘૂંટડા ઉતારવા મંડયો. અમીના કુંભ જેવા આહીરાણીના થાનમાંથી ધારાઓ ઢળવા લાગી. અનાથને ઉછેરવાનો પોરસ એના દિલમાં જાગી ઊઠયો. પારકા પુત્રને દેખીને એને પાનો ચડ્યો. ધાવતો ધાવતો રાજબાળ અકળાઈ જાય એટલું બધું ધાવણ ઊભરાયું.

દેવાયત નિહાળી રહ્યો. બાઈએ કહ્યું : "તમતમારે હવે ઉચાટ કરશે મા. મારે તે એક થાનોલે આ વાહણ અને બીજે થાનોલે આ આશ્રિત બેયને સગા દીકરાની જેમ સરખા ઉછેરીશ. જાહલ તો વાટ્યમાં પડીપડીય વધશે. એનો વાંધો નહિ."