પૃષ્ઠ:Rasdhar 2 - A.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

ર૪

ઈ લાલચે તો છેકરાને ઉઝેર્યો છે. લ્યો, તૈયાર કરીને લાવું છું."

એમ ડેલીએ કહેવરાવીને આહીરાણીએ અંદરના ઊંંડા ઊંડા ઓરડામાં રમત રમતા વાહણને, નવઘણને ને જાહલને ત્રણે બચ્ચાંને દીઠાં. " વાહણ ! દીકરા ! ઊઠ્ય, અાંહી આવ ! તને તારો બાપ કચેરીમાં તેડાવે છે. લે, નવાં લૂગડાંઘરેણાં પહેરાવું;" એમ કહી સાદ દબાવી, આંખો લૂછી, એણે પેટના પુત્રનું શરીર શણગારવા માંડયું. ત્યાં બાકીનાં બન્ને છોકરાં દોડયાં આવ્યાં : " મા, મને નહિ ? માડી, મને નહિ? મારેય જાવું છે ભાઈ ભેળું." એવું બોલતો નવઘણ ઓશિયાળો બનીને ઊભો રહ્યો. આજ એને પહેલી જ વાર દુઃખ લાગ્યું, બાળહૈયાને ઓછું આવ્યું. આજ સુધી તે મા ડાબી ને જમણી બેય આંખો સરખી રાખતી હતી, અને આજ મને કાં તારવે છે? વાહણભાઈને હથિયાર પડિયાર સજાવી માએ એના ગાલે ચાર ચાર બચ્ચીઓ લઈ, ચોખા ચોડેલા ચાંદલા સાતે જયારે વળાવ્યો, ત્યારે નવઘણ ઓશિયાળે મોંએ ઊભો. "બેટા વાહણ ! વે'લો આવજે." એટલું બોલી મા એારડે થંભી રહી. એણે દીકરાને જીવતોજાગતો હત્યારાના હાથમાં દીધો. એના હૈયામાં હજારો ધા સંભળાઈઃ "વાહણને છેતરીને વળાવ્યો : આશરા-ધર્મના પાલન સાટુ.'

" લ્યો, બાપા ! આ ડિયાસ વંશના છેલ્લો દીવો સંભાળી લ્યો !" એમ બોલીને દેવાયતે પોતાના ખોળામાં આળોટી પડનાર સગા પુત્રની ઓળખ આપી. એને એક કેારે આહીરાણી સાંભરતી હતી, બીજી બાજુએ દૂધમલ બેટડો હૈયે બાઝતો હતો. "આયરાણી! ઝાઝા રંગ છે તને, જનેતા ! તેં તો ખોળિયાનો પ્રાણ કાઢી દીધો."