પૃષ્ઠ:Rasdhar 2 - A.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭

રા' નવઘણ

આવી પહોંચજો, સાથે અક્કેક હથિયાર લેતા આવજો.'

પહાડ સમાં અડીખમ શરીરવાળા, ગીરના સિંહોની સાથે જુદ્ધ ખેલનારા હજારો આહીરોની દેવાયતને અાંગણે જમાવટ થઈ સહુની પાસે ચકચકતાં ઢાલ, તલવાર, કટારી, ભાલાં એમ અક્કેક જોડ્ય હથિયાર રહી ગયાં છે. કાટેલી કે બૂઠી તલવારને ઘાએ પણ સેંકડોને કાપી નાખે એવી એ લોઢાની ભેાગળ સમી ભુજાઓ હતી. આખી નાત આલિદર-બોડીદરને પાદર ઠલવાઈ ગઈ. આપા દેવાયતની એકની એક દીકરીના વિવાહ હતા, આજે એ નાતના પટેલને ઘર આંગણે પહેલો જ અવસર હતો, એમ સમજીને મહેમાનોનાં જૂથ ઊતરી પડયાં. દેવાયતે તેડું મોકલેલું કે, 'પાઘડીને અાંટો લઈ જાણનાર એકેએક આયર આ સમો સાચવવા આવી પહોંચજો.' આહીરની આખી જાત હૂકળી.

દેવાયતે આખો ડાયરો ભરીને કહ્યું : "આ મારે પહેલવહેલો સમો છે. વળી હું સોળંકીરાજનો સ્વામીભક્તિ છું. આજે મારે ઉંબરે સોરઠના રાજાનાં પગલાં કરાવવાં છે, ભાઈઓ ! એટલે આપણે સહુએ મળીને જૂનેગઢ તેડું કરવા જાવું છે."

ઘેાડે-સાંઢિયે રાંગ વાળીને હજારો આહીરો ગિરનારને માથે ચાલી નીકળ્યા. આપા દેવાયતની ઘોડીને એક પડખે જુવાનજોધ નવઘણનો ઘોડલો પણ ચાલ્યો આવે છે. રસ્તામાં ગામેગામથી નવા નવા જુવાનો જોડાય છે. ગઢ જૂના લગી જાણ થઈ ગઈ કે દેવાયત એની દીકરીના વિવાહ ઉપર સોલંકીઓને તેડું કરવા આવે છે. સોલંકીઓ પણ આ આહીર વર્ણનો વિવાહ માણવા તલપાપડ થઈ રહ્યા. સોલંકી ઓનાં ઠાણમાં ઘેાડાંએ ખૂંદણ મચાવી.