પૃષ્ઠ:Rasdhar 2 - A.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯

રા' નવઘણ

તું મોદળને ધણી છો. આજ તારે હાથે રાજપલટો કરાવવો છે. ઉપરકોટના દરબારમાં એક કાળજૂનું નગારું પડયું છે. જ્યારે જ્યારે ગરવા ગિરનારની ગાદી પલટી છે ત્યારે ત્યારે એ નગારાના નાદ થયા છે. કૈંક જુગનું એ પડયું છે. સોળ વરસથી એ અબોલ બેઠું છે આજ તારી ભુજાએાથી એને દાંડીના ઘાવ દેજે, એકોએક આયર બચ્ચો તારી ભેરે છે."

નવઘણનાં નેત્રો એ અંધારામાં ઝળેળી રહ્યાં. આજ એણે પહેલી પ્રથમ પૂરી વાત જાણી. જુવાનના રોમેરોમમાંથી દૈવતની ધારાઓ ફૂટવા લાગી. એણે પોતાની તેગ ઉપર હાથ મૂકયો. વહાલો ભાઈ વાહણ તે દિવસે પોતાને સાટે કપાયેા હતો, તેનું વેર રાતનાં અંધારાંમાંથી જાણે પોકારી ઊઠયું.

"ત્યારે શું ? જે મોરલીધર !" દેવાયતે સવાલ પૂછયો.

" જે મોરલીધર !" ડાયરાએ બોલ ઝીલ્યો.

કટક ઊપડ્યું. દેવાયતે ઘોડી તારવીને નવઘણનો ઘેાડો આગળ કરાવ્યો. પોતે પછવાડે હાંકતો હાલ્યો.

ગીરકાંઠાણો આહીર ડાયરો આજે તેડે આવે છે : ઉપરકોટના દરવાજા ઉઘાડા ફટાક મેલાયા. સાલંકીએાના મોવડીઓ ગીરના રાજભક્ત સાવજોને ઝાઝાં આદરમાન દેવા સારૂ ખડા હતા. હજાર આહીરો ઉપરકોટમાં હૂકળી રહ્યા, અને મોટા કોઈ અગ્નિકુંડ જેવડું નગારું સહુની નજર પડયું.

" આપા ! આવડું મોટું આ શું છે ? " નવઘણે શીખવ્યા મુજબ સવાલ કર્યો.

"બાપ ! ઈ રાજનગારું. ઈ વાગે ત્યારે રાજપલટો થાય. "