પૃષ્ઠ:Rasdhar 2 - A.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૩૦


" એમ ? તઈં તો ઠીક !" કહી નવઘણ ઠેકી પડયો. દાંડી ઉપાડીને મંડ્યો ધડૂસવા : રડીબામ ! રડીબામ ! રડીબામ! ઉપરકોટના ગુંબજો ગાજ્યા. ગરવો ધણધણી ઊઠયો, અડીકડી વાવમાંથી સામો અવાજ ઊઠયા: દીવાલે-દીવાલ બોલી કે, ' આવ્યો ! આવ્યો ! કાળદૂત આવી પહેાંચ્યો !'

– અને પછી દેકારો બોલ્યો. હજાર આહીરોની દૂધમલ ભુજાઓ તેગભાલે તૂટી પડી. અંધારી રાતે ઉપરકોટમાં સોલંકીએાના લેાહીની નદીમાં પાશેર પાશેરનો પા'ણો તણાયો.

પ્રભાતને પહોર નવઘણને કપાળે રાજતિલક ચોડાયું. આહીરેાનાં થાણાં ઠેર ઠેર બેસી ગયાં.

"હાં ! હવે મારી જાહલ દીકરીનો વિવાહ રૂડો લાગશે. મારી જાહલના કન્યાદાનમાં હવે મને સ્વાદ આવશે. દીકરીનો પસલિયાત વીર વઢાણો ને એમાં દીકરી કયે સુખે સંસાર માંડત! બાપ, સોરઠના ધણી ! હવે તો બોનના હાથે તિલક લેવા આલિદર પધારો."

જાહલબહેન સંસતિયા નામના જુવાન આહીરની સાથે ચાર ફેરા ફરી. લીલુડે માંડવે સોરઠનો ધણી ઊઠીને લગન માણવા બેઠો. જાહલે ભાઈને ટિલાવ્યો. ભાઈએ હાથ લાંબો કર્યો : " બે'ન ! કાપડાની કેાર આપવી છે."

જાહલ બોલી : " આજ નહિ, વીરા મારા ! ટાણું આવ્ય માગીશ. તારું કાપડું આજ કાંઈ હોય ! તારા કાપડાનું શું એવડું જ માત્યમ છે મારે ?"

નવઘણ સમજી ગયો, બહેનનાં વારણાં પામીને એ જૂનાગઢ ગયો. જોતજોતામાં સોરઠ કડે કરી.