પૃષ્ઠ:Rasdhar 2 - A.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩

રા' નવધણ

રેળાઈ ગયેલ અક્ષરોને રા' ઉકેલવા લાગ્યો. કાગળના લખાણ ઉપર આંસુના છાંટા છંટવાઈ ગયા હતા. રા'ની અાંખો ચમકી ઊઠી. એના હોઠ વાંચવા લાગ્યા. પહેલો સોરઠો વાંચ્યો:

માંડવ અમારે માલતો, (તે દી ) બંધાવા, દીધેલ બેાલ,

( આજ ) કર કપડાની કોર, જાહલને જૂનાના ધણી !

હે બાંધવ, તે દિવસે મારા લગ્નમંડપ નીચે તું મહાલતો હતો તે વેળા તેં મને કાપડું માગવા કહેલું. મેં કહેલું કે ટાણું આવ્યે માગીશ. હે જૂનાગઢના ધણી, હવે આ બહેન જાહલને કાપડું કરવા આવી પહોંચજે.

"બોન જાહલનો કાગળ ?" નવઘણે જુવાનની સામે જોયું. "કેાણ, સંસતિયો તો નહિ !"

જુવાનની આંખોમાં ઝળઝળિયાં હતાં. એ અબોલ ઊભે રહ્યો.

"તારી આ દશા, ભાઈ!" કહીને નવઘણ સંસતિયાને ભેટી પડ્યો. " આ શું છે ? તું કેમ કાંઈ કહેતો નથી ?"

" કાગળ જ બધું કહેશે."

નવઘણે આગળ વાંચ્યું : સોરઠિયાણી બહેને સોરઠા લખીને મોકલ્યા હતા : એક પછી એક કેવા કારમા ઘા કર્યા છે બહેને :


નવધણ, તમણે નેહ, ( અમે ) થાનોરવ ઠરિયાં નહિ,
( કાંઉ ) બાળક બાળ્યપ લ્યે, અણધાવ્યાં ઊઝર્યાં અમ

હે વીરા નવઘણ, તારા ઉપરના સ્નેહને લીધે તે હું માતાના થાનેાલા (સ્તન) ઉપર ટકી નહોતી, તને ઉછેરવા સારૂ તો માએ મને ઝોંટીને આઘી ફગાવેલી, એમ હું તો ધાવ્યા વિના ઊછરી. એમાં મારૂ બાળપણ શી રીતે બલવંત બને ? હું આજ ઓશિયાળો બેઠી છું.

નવઘણને બાળપણ સાંભર્યું'.