પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૪૪


શિરામણ પૂરું થયું. નવઘણે હાથ જોડી વરૂવડીની રજા માગી. વરૂવડીએ પૂછયું : " બાપ, કયે કેડે સિંધ પોગવું છે ?"

"આઈ, સીધે રસ્તે તો આડો સમદર છે. ફેરમાં જવું પડશે."

" અવધે પોગાશે ?"

"એ જ વિમાસણ છે, આઈ!" નવઘણના મોં ઉપર ઉચાટના ઓછાયા પડી ગયા. પલેપલ એની નજર સામે બહેન જાહલ તરવરે છે. સૂમરો જાણે કે જાહલના નેસ ઉપર માર-માર કરતો ધસી રહ્યો છે. બહેનની ને એ દૈત્યની વચ્ચે જાણે કે અંતર ભાંગતું જાય છે. સૂમરો જાહલના મડદાને ચૂંથશે ?

"વીર નવઘણ !" વરૂવડીએ વારણાં લઈને સિંદૂરનો ચાંદલો કરતાં કહ્યું : "ફેરમાં ન જાશો, સીધે જ મારગે ઘેાડાં હાંકજો. સમદરને કાંઠે પહોંચો ત્યારે એક એંધાણી તપાસી લેજે. તારા ભાલાની અણીને માથે જો કાળીદેવ્ય ( કાળી દેવચકલી ) આવીને બેસે તો તો બીક રાખ્યા વિના દરિયામાં ઘેાડો નાખજે. થડકીશ મા, તારા ઝપડાને પગે છબછબિયાં, ને કટકના પગમાં ખેપટ ઊડતી આવશે. કાળીદેવ્ય દરિયો શેાષી લેશે."

આશીર્વાદ લઈને કટક ઊપડયું. દરિયાકાંઠે જઈ ઊભા. દૈત્યની સેના જેવાં મોજાં ત્રાડ પાડતાં છલાંગો મારે છે. દરિયાઈ પીરની ફોજના કરોડો નીલવરણા ઘોડા જાણે હણહણાટ કરે છે ને દૂધલાં ફીણની કેશવાળીઓ ઝુલાવે છે. એક એક મોજાના મરોડમાં કેાઈ જાતવંત અશ્વોની બંકી ગરદન રચાઈ છે. જળનો દેવતા લાખ લાખ તુરંગોની સવારી કાઢીને જાણે ધરતીનાં રાજપાટ જીતવા તલપી રહ્યો છે.