પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૬૦


ચભાડોને તે કજિયો જોઈતો હતો. બહાનું જડી ગયું. સમશેરે ખેંચાઈ. એ મામલો દેખીને માતાએ જુવાન બેટા મૂંજાજીને પડકાર્યો.

મૂંજાને માતા કહે, સુણ સોઢાના શામ,
દળમાં બળ દાખો હવે, કરે ભલેરાં કામ.
મુંજા તેતર માહરો, માગે દૂજણ સાર,'
ગર્વ ભર્યા ગુર્જરધણી, આપે નહિ અણવાર

બેટા, એક ચકલ્યું છે, તોપણ એ આપણું શરણાગત ઠર્યું. આજ આપણે મર્યામાર્યા વગર છૂટકો નથી. ભલે આજ ચભાડો પારકરા પરમારની રજપૂતી જેતા જાય.

“વાહ મારી જનની !” કહી મૂંજોજી તેગ લઈને ઊઠયો : “ હું તો પરમારને પેટ ધાવ્યો છું ના !”

ધ્રુવ ચળે મેરુ ડગે, ગમ મરડે ગિરનાર,
[તોય] મરડે ક્યમ મૂળીધણી, પગ પાછા પરમાર ?

ધ્રુવને તારો ચળે, મેરુ પહાડ ડગમગે, ગિરનાર પોતાનું પડખું ફેરવે, તો પણ પરમાર પાછો પગ કેમ માંડે ?

પછી તો તે દિવસે –

[૧]સંવત ચૌદ ચુમોતરે, સોઢાનો સંગ્રામ,
રણઘેલે રતનાવતો, નવખંડ રાખ્યું નામ.

સંવત ૧૪૭૪માં સોઢાએ સંગ્રામ જમાવ્યો. રણઘેલા રતનજીના પુત્ર નવે ખંડમાં નામ રાખ્યું.

વાર શનિચર શુદ પખે, ટાઢા પૂરજ ત્રીજ,
રણ બાંધે રતનાવતો, ધારણ મૂંજો ધીજ.

ફાગણ મહિનાના શુકલ પક્ષની ત્રીજ ને શનિવારના રોજ રનજીના પુત્રે રણતોરણ બાંધ્યું.


  1. “રાસમાળા'નો પાઠ : 'સંવત સાત પનોતરે.” પણ સાતસો પંદર
    અતિ વહેલું છે.