પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧

એક તેતરને કારણે


મા જુએ છે ને બેટે ઝૂઝે છે : એવું કારમું ધીંગાણું મંડાઈ ગયું. ચભાડેાનાં તીરભાલાં વરસ્યાં, પરમારોની ખાંગેાએ ખપ્પર ભર્યા, અને દિવસ આથમતે તો –

પડ્યા, ચભાડહ પાંચસેં, સોઢા વીસું સાત,
એક તેતરને કારણે અળ રાખી અખિયાત.

પાંચસે ચભાડો કપાઈ ગયા, સાત વીસું (૧૪૦) સોઢા કામ આવ્યા, એમ એક તેતરને કારણે સોઢા પરમારોએ પૃથ્વી પર પોતાની ઈજ્જત આબાદ રાખી.

લખધીરજી તો તે વખતે વીસળદેવની ડેલીમાં ચોપાટ રમવામાં તલ્લીન હતા. એમને આ દગાની ખબર નહોતી. રાણીએ લખધીરજીને પણ તે જ દિવસે ત્યાં ટૂંકા કરવાનું કાવતરું રચેલું. સાંજ પડી એટલે વીસળદેવને રાણીએ બેાલાવી લીધા; કહ્યું : “હવે આંહીં બેસો.”

“ પણ મહેમાન એકલા બેઠા છે.”

“મહેમાનને એકલા નહિ રાખું, હમણાં એના ભાઈયુંની હારે જ સરગાપુરીની સાથ પકડાવી દઈશ.”

“ રાણી, શું આ બેાલો છો ?”

“ ઠીક બેાલું છું. એ વાઘરીની દીકરી હારે તમારે પરણવું છે, કાં ?”

“ તમે આ શી વાત કરો છો ?”

“હું બધુંય જાણું છું, પણ આજ તો મારા ભાઈએ એ તમામને જમપુરીમાં પહોંચતા કર્યા હશે !”

વીસળદેવ બધો ભેદ સમજ્યો. દોડતો દોડતો ડેલીએ આવ્યો. લખધીરજીને કહે : “ ભાઈ, જલદી ભાગ, તારે માથે આફત છે, ફરી આંહીં આવીશ મા !”

છબ દઈને લખધીરજી ઘોડી ઉપર પલાણ્યો, પણુ ગઢ વળોટવા જાય ત્યાં તો રાણીના કાવતરાબાજો આડા ફર્યા.