પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫

રા' નવઘણ


પલકમાં તો ગગનથી ચીંકાર કરતી મેઘવરણી કાળીદેવ્ય, જાણે કે કોઈ વાદળમાં બાંધેલ માળામાંથી આવીને નવઘણને ભાલે બેસી ગઈ.

"જે જગદંબા !" એવી હાકલ કરીને જુવાન નવઘણે ઝપડાને જળમાં ઝીંકયો. પહાડનો તોખાર જાણે કે હણહણાટી મારતો જળઘોડલીએાની સાથે રમવા ચાલ્યો. પાછળ આખી ફોજનાં ઘોડાં ખાબકયાં. મેાજા બેય બાજુ ખસીને ઊભાં. વચ્ચે કેડી પડી ગઈ. પાણીનાં ઘોડલાં ડાબાં ને જમણાં ઘણે દૂર દૂર દોડયાં ગયાં. ( આજ આ કોરી ખાડીને કચ્છનું રણ કહેવામાં આવે છે. )

કચ્છ વળેાટીને ગરવોરાજ સૂમરાની ધરા ઉપર ઊતર્યો : "સંસતિયા ! હવે ઝટ મને લઈ જા, કયાં છે તમારા નેસ ? કયાં બેઠી છે દુખિયારી બહેન ? તું આગળ થા ! બહેનનાં આંસુડે ખદબદી રહેલી એ ધરતી મને દેખાડ." એમ તડપતો અધીર નવઘણ સિંધનો વેકરો ખૂંદતો ધસી રહ્યો છે.

– અને બહેન જાહલ પણ ફફડતી નેસમાં ઊભી છે. ઊંચે ટીંબે ચડીને સોરઠની દિશા ઉપર આંખો તાણે છે : કયાંય ભાઈ આવે છે ? વીર મારાનો કયાંય નેજો કળાય છે ? આજ સાંજ સુધીમાં નહિ આવે, તો પછી રાત તો સૂમરાની થવાની છે. સૂમરો સોયરે અાંખો અાંજીને, લીલી અતલસનો કસકસતો કસબી કબજો અંગે ધરીને, ડોલર-માગરાનો અર્ક ભભરાવતો આજે રાતે તો આવી પહોંચશે અને સૂમરાને ઢોલિયે આજ અધરાતે તો મારું મડદું સૂતું હશે. ઓહોહો ! ભાઈ શું નહિ જ આવે ? ભાઈ શું બોલકોલ ભૂલ્યો ? ભોજાઈના ફૂલહૈયા માથે શું એનું માથું મીઠી નીંદરમાં પડી ગયું ? જીવવાની મમતા ન મુકાઈ? મરવું શું મારા વીરને વસમું લાગ્યું ?

સાંજ પડી. તારોડિયા ઊગવા લાગ્યા. આખો નેસ