પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એક તેતરને કારણે
૬૩


“બાપ લખધીર, તારો બાપ સ્વર્ગે સિધાવ્યા તે દી આ મૂંજો પેટમાં હતો, એટલે મારાથી એની સંગાથે જવાણું નહિ. આજ તારા બાપની ને મારી વચ્ચે વીસ વીસ વરસનું છેટું પડી ગયું. હવે તો મૂંજાને સથવારે જ મને રાજી થઈને જાવા દે.”

ચેહ ખડકાવીને માતાજી દીકરાનું શબ લઈને સતી થયાં. આજ પણ એ જગ્યાએ જોમબાઈ માતાનો પાળિયો છે. આજ પણ જે બાઈને છાતીએ ધાવણ ન આવતું હોય તે આ પાળિયાને પોતાનું કાપડું અડાડી આવે તો ધાવણની શેડો છૂટે છે એવી લોકવાયકા છે.

મા અને ભાઈને સ્વર્ગે વળાવીને લખધીરજી શેાકમાં નહોતો પડી ગયો. એણે એ ઠેકાણે ગામ બાંધ્યું. એક રબારણ રોજ દૂધ આપી જતી તેને લખધીરજીએ બહેન કહેલી. એનું નામ મૂળી હતું, મૂળીની મમતાથી પરમારે ગામનું નામ મૂળી રાખ્યું.[૧] એ રીતે આજનું મૂળી સોઢા પરમારોની રાજધાની બન્યું.


  1. કોઈ કહે છે કે એ મૂળી ઢેઢ હતી.