પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭

એક અબળાને કારણે

વેલા નામના હજામને કાંઈક આકરાં વેણ કહ્યાં હશે, તે ન સંખાવાથી વેલો ભાગીને સૂમરા બાદશાહની છાવણીમાં આવ્યો. આવીને કહ્યું : “શું કામ મરો છો ? તમને એક દિવસમાં જિતાડું.”

બાદશાહ કહે : “ શાબાશ ! હું તને ગામગરાસ અાપીશ ”

વેલાએ ઈલાજ બતાવ્યો. ડુંગરની પાછળના ભાગમાં એક બહુ જ વંકી છૂપી જગ્યાએ પરમારોને પાણી પીવાને એક કૂવો હતો. એ એકના એક જળાશયમાં વેલા હજામે સૂમરાએાને હાથે બે ગાયો કપાવી નખાવી.

સાંજે આવીને પરમારોના પખાલીએાએ કુવાને ભ્રષ્ટ થયેલો જોયો. પરમારોએ પોતાનું મોત સામે ઊભેલું દીઠું અને જતોને જણાવી દીધું : “ ભાઈ એા, સવારે ઊઠીને અમે તો ઝાડીમાંથી નીકળીને કેસરિયાં કરશું, પણ તમે મુસલમાન કોમ છો, તમને એ પાણી પીવામાં વાંધો નથી, તમે સુખેથી જિવાય ત્યાં લગી જીવજો. અમારા છેલ્લા રામરામ છે !”

હેબતખાને જવાબ વાળ્યો : “ શું એકલા પરમારો જ મરી જાણે છે ? આજે જુઓ તો ખરા, જતના લોહીમાં પરમારના લોહી જેટલી જ ક્ષાત્રવટ ભરી છે કે નહિ ?”

રાત પડી ત્યાં તો જતાણીએામાં કાળો કકળાટ થઈ રહ્યો : “ અરેરે ! દૂધિયા દાંતવાળા પરમારોને આવતી કાલે તો જારનાં ડૂંડાંની જેમ વાઢી નાખશે, અને હજી તો માની ગોદમાંથી ચાલી આવતી રંભા જેવી રજપૂતાણીએ કાલે પ્રભાતે ચિતા ઉપર ચડશે. હાય રે પાપણ દીકરી, સૂમરી ! હાય ડાકણી ! તું કેટલાને ભરખી લઈશ !”

સૂમરીએ એક ખૂણામાં બેઠાં બેઠાં આ મે'ણાં સાંભળ્યાં. અધરાત ભાંગી અને સહુ જતાણીએાની આંખ મીચાઈ તે વખતે સૂમરી કિલ્લાના ચોગાનમાં આવીને ઊભી રહી.