પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
સૌરાષ્ટ્રની રસધાર :૨
 

છે. આ રાજપાટ ઉપર તો એની ધજા ફરકે છે, મારી નહિ. કોઈ દિવસ આ રાજપાટના ગુમાન કર્યા નથી; માંડવરો ધણી એની લાજ રાખવા જરૂર આવશે.”

“અન્નદાતા, મારે તારી રિદ્ધિસિદ્ધિની એક પાઈયે નથી જોતી. તારા લાખપશાવ પણ ન ખપે. તારા માથાનો પણ હું ભૂખ્યો નથી.”

“જે માગવું હોય તે માગો.”

ચારણે ગોઠણભર થઈને દુહો કહ્યો કે :

અશ આપે કે[૧] અધપતિ, દે ગજ કે દાતાર,
સાવઝ દે મું સાવભલ,[૨] રે પારકરા પરમાર !

કોઈ રાજા ઘોડાનાં દાન કરે, તો કોઈ હાથી આપે, પણ હે સહુથી ભલા રાજા, તું મને જીવતો સાવજ આપ.

“સાવજ!” સભાનો અવાજ ફાટી ગયો.

“હા, હા, જીવતો સાવજ !” ચારણે લલકાર કર્યો :

જમીં દાન કે દે જબર, લીલવળું લીલાર,
સાવઝ દે મુ સાવભલ, પારકરા પરમાર !

કોઈ જબરા રાજાએ જમીનનાં દાન આપે, કેાઈ પોતાનાં લાલાં માથાં ઉતારી આપે, પણ હે પરમાર, તારી પાસે તો હું સાવજ માગું છું.

હાહાકાર કરીને આખી કચેરી તાડૂકી ઊઠી : “ગઢવા, આવું માગીને પરમારની આબરૂ પાડવામાં વડાઈ માને છે કે ?”

ચારણે તો બિરદાવળ ચાલુ જ રાખી :

ક્રોડપસાં દે કવ્યંદને, લાખપસાં લખવાર,
સાવઝ દે મું સાવભલ, પારકરા પરમાર !


  1. કોઈ
  2. સહુથી ભલો