પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૭૬

સૌરાષ્ટ્રની રસધાર : ૨

ચાંચોજીએ એના કાન ઝાલ્યા. બકરી જેવો બનીને સિંહ ઊભો રહ્યો. પરમારે બૂમ પાડી : “લ્યો કવિરાજ, આ સાવજનાં દાન.”

ચારણ પાછે પગે ભાગવા લાગ્યો ત્યારે ચાંચોજીએ સાદ કર્યો : “ગઢવા ! નવ લાખ લોબડિયાળીઓ લાજે છે. અરે ! તું કેાઈકનો શીખવ્યો મારી લાજ લેવા આવ્યો, ને હવે ભાગ્યો ?”

સાવઝ ભાળી સામહો,[૧] ભડક્યા, કેમહી ભાગ,

પાંથું,[૨] પાછા પાગ, ભરવા ન ઘટે ભડ જને !

સિંહને સામો ઊભેલો જોઈને ભડકીને કેમ ભાગો છો ? એા ચારણ ! મર્દને પાછાં પગલાં માંડવાં ન શોભે.

દાન માગતી વખતે ગઢવી એ વાત ભૂલી ગયેલો કે દેવા કરતાં લેવું ભારે પડશે. અને એક વાર માગેલું દાન સ્વીકાર્યા વિના તો બીજો ઉપાય નહોતો, ચારણનો વંશ લાજે. શું કરવું ? ચારણે ચતુરાઈ કરીને આઘે ઊભાં ઊભાં કહ્યું કે :

ચાંચે સિંહ સમપ્પિયો કેસર ઝાલિયો કાન,

(હવે) રમતો મેલ્યે રાણા, પોત્યો પરમાર ધણી !

ઓ બાપ ચાંચા, તેં કેસરી સિંહનો કાન ઝાલીને મને સમર્પણ કર્યો, એ હું કબૂલી લઉં છું. મને દાન પહોંચી ગયું. હવે તું તારે એને રમતો મૂકી દે, હે રાણા !

સાવજને માથે હાથ ફેરવીને રાજા બોલ્યો : “ જાઓ, વનરાજ ! મારી લાજ આજે તમે રાખી છે.” સાવજ ચાલ્યો ગયો. લેાકેા કહે છે કે એ માંડવરાજ પોતે જ હતા.


  1. સાચો ચારણ
  2. સાચો ચારણ