પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વર્ણવો પરમાર

સૌરાષ્ટ્રને ઓતરાદે કિનારે ટીકર નામનું, છસો વરસનું જૂનું ગામ છે. એ ગામનીયે ઉત્તરે મરડક નામની એક ધાર, બરાબર બેઠેલા ઊંટનો આકાર ધરીને પડેલી છે. એ ધારથી ત્રણ ગાઉ આઘે, ઉત્તરમાં, ઝાળ નામનાં પાંચ ઝાડનાં ઝુંડની વચ્ચે એક મીઠા પાણીને વીરડો છે, એક પુરુષનો પાળિયો છે, ને એક સતીના પંજાની ખાંભી છે. આસપાસ ધગધગતી રેતીનું રણ પડયું છે.'ચૌદ ચૌદ ગાઉ સુધી મીઠા પાણીનું એકેય ટીપું નથી મળતું કે નથી કોઈ વિસામો લેવાની છાંયડી, દિવસને વખતે કોઈ મુસાફર એ રણમાં ચાલતો નથી. ચાલે, તો ચોકીવાળાઓ એની પાસે પૂરું પાણી છે કે નહિ તેની ખાતરી કર્યા પછી જ જવા આપે છે, રાતે ચાલેલા વટેમાર્ગુ સવારને પહોરે રણને સામે કાંઠે એક ધર્મશાળાએ પહોંચીને વિસામો લે છે. એને 'વર્ણવા પીરની જગ્યા' કહે છે.

આ વર્ણવો પરમાર કોણ હતો ? પચીસ વર્ષનો એક ક્ષત્રી જુવાન : હજુ તો દસૈયા [૧] નહાતે હતેા. અંગ ઉપરથી અતલસના પોશાક હજુ ઊતર્યા નહોતા. હાથમાં હજુ મીંઢળ હીંચકતું હતું. પ્રેમીની આંખના પાંચ પલકારા જેવી પાંચ જ રાત હજુ તો માણી હતી. આખો દિવસ એને ઘેરીને ક્ષત્રી-ડાયરો એના સંયમની ચોકી કરતા, અને ત્યાર પછી

  1. * ક્ષત્રિયોમાં એવી રીત છે કે પરણ્યા પછી દસ દિવસ સુધી રોજ સવારે નહાય, ને પાછો એ-નો એ પોશાક પહેરી લે.