પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭

રા' નવઘણ


સાળા અયપ પરમારે અહંકાર કરી ઉદ્દગાર કાઢયો : " હું રાજાનો સાળો, આ હાથ ઈંટો ઉપાડવા માટે નથી, ખડ્‌ગ ચલાવવા માટે છે, હું નહિ ઉપાડું."

વરૂવડીના ધામે સેના આવી પહોંચી, પાદરમાં બધી ઈંટો એકઠી કરીને દેરી બંધાવી. રા'એ આવીને જોયું તો આખી દેરીમાં એક ઈંટ જેટલી જગ્યા ખાલી પડેલી. એણે પૂછયું : " આ એક ઈંટ કેમ ખૂટે છે ?"

માણસો મૂંઝાયા. ઉત્તર આપી ન શકાયો, છેવટે જવાબ વાળ્યો : "માતાનો દીવો કરવા માટે એ ગોખલો રાખ્યો છે." આખરે માલૂમ પડયું કે મિથ્યાભિમાની અયપ પરમારે પોતાના ભાગની ઇંટ ઉપાડવામાં હીણપદ માન્યું છે.

એ નવી ચણાવેલી દેરીના ઉંબરમાં જ નવઘણની તલવારના ઘાએ અયપનું મસ્તક કપાઇને નીચે પડ્યું. સેના જુનાગઢ તરફ ચાલી નીકળી.

વરૂવડી માતા એ દેરી પાસે આવ્યાં. જોયું તો અયપનું માથું ને ધડ રઝળતાં પડેલાં. પોતાની દેરી પર ક્ષત્રિયનું લોહી છંટાયેલું એ દેવીથી ન સહેવાયું. અયપે પોતાનું અપમાન કરેલું એ ઇતિહાસ માતાને કાને આવ્યો. તોયે એ નિરભિમાની ચારણીનું મન ન દુભાયું. એણે ધડ પર મસ્તક મૂકી હાથ ફેરવ્યો. અયપ સજીવન થયો.

હાથમાં ભાલો ઉઠાવી ઘોડા દોડાવતો લોહીનો તરસ્યો અયપ નવઘણની પાછળ પડયો. બરાબર જૂનાગઢના ઝાંપામાં એણે નવઘણને પડખે ચડીને ભાલાનો ઘા કર્યો.

પરંતુ નવઘણના એ મહાચતુર અશ્વ ઝપડાએ ભાલાનો પડછાયો જેયો કે તત્કાળ કૂદીને એ દૂર ખસ્યો. ભાલો પરબારો પૃથ્વીમાં ગયો. અયપને પકડી લીધો.

એ પ્રસંગે મીશણ કુંચાળા નામના ચારણે દુહો કહ્યો કે:

જડ ચૂક્યો ઝપડા જદી, ભાલા અયપકા,
માતા લીએ વારુણાં, નવઘણ ઘર આયા.

[ અયપના ભાલાનો ધા ઝપડાએ ચુકાવી લીધો, તેથી નવઘણ રાજા જીવતા ઘેર આવ્યા, ને માતાએ ઓવારણાં લીધા.]

વરૂવડીનો છંદ આગળ વધે છે :