પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની ૨સધાર : ૨

૫૦


એ વંશનો એક વેલો સિંધના રણવગડામાં પણ ઊતરી આવ્યો. એ વેલો ચલાવનાર મૂળ પુરુષ સોઢાજી. સોઢા પરમારોના હાથનો ઉમરકોટ તાલુકો એક વખત એની પડતી દશામાં છૂટી ગયો ને નગરપારકરને નાનો તાલુકો રહ્યો. ત્યાંનું બેસણું પણ ગયું, ને થરપારકર રહ્યું. થરપારકરનું રાજ એટલે તો રેતીના રણનું રાજ : રાજધણીને રિદ્ધિસિદ્ધિમાં ઢોર સિવાય બીજુ કાંઈ ન હોય. માલધારી રાજા પોતાનો માલ ચારીને ગુજારો કરતા; નેસડામાં રહીને રાજમહેલની મજા લેતા: રોટલો અને દૂધ આરોગીને અમૃતના ઓડકાર ખાતા; રૈયતની સાથેસાથ રહીને તેની જીવ સાટે રક્ષા કરતા. તેથી જ –

અંગ પોરસ, રસણે અમૃત, ભુજ પરચો રજભાર,
સોઢા વણ સૂઝે નહિ, હોય નવડ દાતાર.

સોઢાઓના અંગમાં દાન દેવાની જેવી હોંશ આવે, જીભમાં જેવું અમી વરસે અને ભુજામાં જેવું પાણી હોય તેવું બીજામાં નથી હોતું.

બાપુ રતનુજી તો કૈલાસમાં પધારી ગયેલ, પણ મા જોમબાઈ હજુ બેઠાં હતાં. મા જોમબાઈને ચાર દીકરા હતા: આખેાજી, આસેાજી, લખધીરજી ને મૂંજોજી મા અને

દીકરા ગોડી પારસનાથજીનાં*[૧] મોટાં ભક્ત હતાં.


  1. * 'રાસમાળા' ( પાનું ૩૯૮) માં જણાવેલ છે કે ' માર્તંડરાય અથવા માંડવરાય, જે સૂર્ય દેવની મૂર્તિ કહેવાય છે ( કેમ કે મૃતંડનો વંશજ સૂર્ય છે તેથી તેનું નામ માર્તંડ કહેવાય છે.) તેના ઉપાસક બન્ને નાયક હતા.' પણ માંડવરાય નામ તો સોરઠમાં પરમારોના આગમન પછી 'માંડવ ડુંગર' પરથી પડ્યું લાગે છે, મતલબ કે ' માંડવરાય ' શબ્દ 'માર્તંડરાય' નો અપભ્રંશહોવા સંભવતો નથી. પરિણામે, સોઢા પરમારોની ઉપાસના સૂર્યની હતી કે ગોડી પાર્શ્વનાથની, તે નિર્ણયને અન્ય કશાક આધારની જરૂર છે.