પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૩

ઢેઢ કન્યાની દુવા

જમાઈ બહુ કપાતર મળ્યો છે. બાઈને મારી મારીને અધમૂઈ કરે છે. દુઃખની મારી દીકરી અાંહીં ભાગી આવેલી. વાંસેથી એને તેડવા આવ્યાં તે અમે ન મોકલી, એટલે ઘેલાશાના કાઠી ઘોડે ચડીને આવ્યા, તે હમણાં જ દીકરીને ઘોડે નાખીને બરવાળે ઉપાડી ગયા બાપુ ! મારી પારેવડી જેવી દીકરીનું શું થાશે ? અમારા ઢેઢુંના કોઈ ધણી ન મળે ?”

'અમારા ઢેઢુંનો કેાઈ ધણી ન મળે !' એ વેણ જુવાન આતાભાઈના કલેજા સોંસરું પેસી ગયું.

“તારા ધણી બાપુ છે, રો મા.” એમ કહીને એણે નેાકરોને હુકમ કર્યો : “મારી ઘોડી હાજર કરો.”

પોતે હથિયાર ધરીને નીચે ઊતર્યો. ઘેાડીને પલાણ નાખવાની વાટ ન જોઈ.

ઉપર ચડે, ત્યાં ગઢમાંથી બાપુ અખેરાજજીએ સાદ કર્યો: “ભાઈ, ઊભો રહે.” આવીને બાપુએ ઘોડીની લગામ ઝાલી લીધી. દીકરાનું બાવડું ઝાલ્યું. અખેરાજજીને એ એકનો એક દીકરો હતો. દરબારનો બુઢાપો હતેા.

કુંવર બોલ્યા : “ બાપુ, અત્યારે મને રોકો મા, આ ઢેઢની છોકરીને અને મારે છેટું પડે છે. એ કહે છે કે અમારે કોઈ ધણી નથી.”

“ બાપ, તુંથી જવાય નહિ, ફોજ મોકલું.”

“ ના, બાપુ, મારે એકલાને જ જાવું છે.”

“ બેટા, એકલા ન જવાય, દુશ્મનો કયાંક મારી પાડે.”

“ બાપુ, છોડી દ્યો. આપણે રાજા : વસ્તીનું રક્ષણ કરવા આપણે જાતે જ ચડવું પડે.”

“ના, મારા બાપ! આખું કટક જાય, પણ તું નહિ. તું હજી બાળકો છો.”