પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૧૧૪

અંબે'ના આકાશભેદી સ્વરો નીકળતાં ચારણપુત્રી જાસલ ચિતા પર ચડી. તેના ચરણોની દશે આંગળીઓમાંથી એકસાથે અગ્નિની જ્વાળાઓ નીકળી ને તેણે ચિતાને ભડભડાટ પ્રજવલિત કરી. થોડી વારમાં સર્વભક્ષી અગ્નિદેવની રંગબેરંગી જ્વાળાઓ ભડક ભડક અવાજ કરી ચિતા પર ખેલવા લાગી. એવામાં ચિતા ઉપરની ઝુંપીમાંથી સ્વર આવ્યો : “વીરા લાધવા! તું મારો સાત જન્મારાનો ભાઈ છે. બીના વિના તું ચિતા પર આવ. ને બેનને છેલ્લી વારનો કમખો આપી પાછો સિધાવ.”

ખરો મર્દ, પવિત્ર મેર લાધવો છલાંગ મારી ચિતા પર ચડ્યો, પણ અગ્નિની જવાળા તેને ટાઢીબોળ લાગી. બહેનના પવિત્ર શરીર ઉપર ઘીનો હોમ કર્યો ને આંસુભર્યે નયને હાથ જોડી તે ઊભો રહ્યો.

સતી જાસલ બોલી : “ભાઈ, તને શું આપવું ? તારે માયા-મિલકત છે, છૈયાંછોકરાં છે, ને લાજઆબરૂ પણ છે. પણ મારું વચન છે કે જે તારા કુળનો હશે તે કદી સત નહિ ચૂકે.”

“તથાસ્તુ, આઈ!” એટલો ઉચ્ચાર કરી, રોતો રોતો લાધવો વગર અાંચે ઉપરથી નીચે ઊતર્યો.