પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


૧૧
કામળીનો કોલ

" આ ગામનું નામ શું ભાઈ?”

“નાગડચાળું. કયાં રે'વાં ?”

“રે'વું તો મારવાડમાં. હિંગળાજની જાત્રાએ નીકળેલ છું, બાપા ! ”

“ચારણ છો ?”

“ હાં, આંહીં રાતવાસો રેવું છે. કોઈ રજપૂતનું ખોરડું છે આંહી ?”

“હા, હા. દરબાર સાંગાજી ગેાડની ધીંગી ડેલી છે ને, ગઢવા ! પાધરા હાંકી જાઓ. કવિઓની સરભરા કરવામાં અમારા સાંગાજી ઠાકોરનો કચ્છમાં જોટો નથી, ગઢવા ! હાંકો પાધરા. ”

એટલું કહીને રાતના અંધારામાં એ ગામનો આદમી સરી ગયો. ખૂણે ઊભો રહીને તાલ જોવા લાગ્યો. 'આજ બેટાને બરાબર ભેખડાવી મારું. બેટો સાંગડો, ગામ આખાનાં વાછડાં ચારે, ને હું કોટવાળ તોયે મારાં ત્રણ વાછડાંની ચરાઈની કોરી માગી હતી દીકરે! આજ આ ગઢવો જો એને ભેટી જાય. તો એની ખરેખરી ફજેતી થવાની. ગઢવી મારવાડનો છે એટલે મોઢું પણ જબ્બર ફાડશે ને સાંગોજી દરબાર શું ચૂલા માયલી ચપટી ધૂળ આપશે? ગઢવો નખ્ખેદપાનિયાનો લાગે છે. એટલે સાંગડાની ફજેતી આખા કચ્છમાં ફેલાવશે. આજ મારું વેર વળશે. હું નાગડચાળાનો કોટવાળ!” એમ બબડતો મૂછો

આમળતો એ આદમી અંધારેથી નજર કરતો ઊભો રહ્યો.

૧૧૫