પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૭

કામળીનો કોલ

“લોકો ભાખે છે કે તમે તો જુવાનીમાં જોગમાયા જેવાં કવિપત્નીને ઠાકરિયો વીંછી કરડાવ્યો ને મોત કરાવ્યું !”

“જુવાનીના તોર હતા, બાપ સાંગા ! હસવામાંથી હાણ્ય થઈ ગઈ. ચારણ્યે મને વીંછી કરડ્યાની બળતરા થાતી દેખી મે'ણું દીધું. મેં એને પારકાની વેદનાનો આત્મ-અનુભવ કરાવવા સારુ વનનો વીંછી લાવી કરડાવ્યો. ચારણીનો જીવ નીકળી ગયો.”

“ હેં દેવ ! આઈ પાછાં નગરમાં અવતરીને આપને મળી ગયાં એ વાત સાચી ?”

“ભાઈ ! ઈશ્વર જાણે, ચારણી એની એ જ હશે કે નહિ. મને તો એ જ મોઢું દેખાણું. મને સોણલે આવતી'તી ચારણી.”

“ દેવ ! પીતામ્બર ગુરુની તમે ખડગ લઈ ને હત્યા કરવા દોડેલા ને પછી પગમાં પડી ગયા, એ શી વાત હતી ?”

“બાપ ! હું પ્રથમ પહેલો નગરમાં રાવળ જામની કચેરીમાં આવ્યો. રાજસ્તુતિના છંદ ઉપર છંદ ગાવા લાગ્યો. રાજભક્તિના એ કાવ્યમાં મારી બધી વિદ્યા ઠાલવી દીધી હતી. કચેરીમાં રાવળ જામની છાતી ફાટતી હતી. પણ હર વખત દરબાર પોતાના કાવ્યગુણી પીતામ્બર ગુરુની સામે જુએ, અને ગુરુજી દરેક વખતે મારા કાવ્યને અવગણતાં માથું હલાવે. એ દેખી દરબારની મોજ પાછી વળી જાય, મારા લાખોનાં દાનના કોડ ભાંગી પડે. મને કાળ ચડ્યો. હું એક દી રાતે મારા આ વેરીને ઠાર કરવા તરવાર લઈ એને ઘરે ગયો.

“આંગણામાં તુળશીનું વન : મંજરીઓ મહેક મહેક થાય : લીલુંછમ શીતળ ફળિયું : ચંદ્રના તેજમાં આભકપાળા ગુરુ, ઉઘાડે અંગે જનેાઈથી શેાભતા, ચેાટલો છોડીને બેઠેલા: ખંભા ઉપર લટો ઢળી રહી છે. ગોરાણી પડખે બેઠાં છે. ગુરુના ઉઘાડા અંગ ઉપર સમશેર ઝીંકવા મારો હાથ તલપી રહેલ.