પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬
સૌરાષ્ટ્રની રસધાર : ર


પૂજી રહી છે.લૂંટફાટ અને અત્યાચારના એ જુગમાં મૂળુ ખાચરની તો નાડી ધોઈને પેટપીડવાળી બાઈઓને પવાતી હતી. મૂળુ ખાચર ઘોડે બેસીને માર્ગે ચાલ્યા જતા હોય, ખરો ઉનાળો ખેરના અંગારા વરસાવતો હોય અને એમાં જો કોઈ આવીને કહે કે “બાપુ, મારી ઘરવાળીને આડું આવ્યું છે,” તો એ કાઠી ત્યાં ને ત્યાં થંભી જતો, તે જ જગ્યાચે ઘાસિયા નાખીને હાથમાં સૂરજની માળા લઈ બેસી જતો; અને હોકાની ચલમમાંથી ચપટી રાખ નાખીને એ પાણી આપતો. આવનાર ધણી પોતાને ગામ જઈને એ પાણી પોતાની બાયડીને પિવડાવે, અને પાછા જઈને દરબારને કહે કે “બાપુ, આડું ભાંગી ગયું, ત્યારે મૂળુ ખાચર એ તડકેથી માળા ફેરવવાનું બંધ કરીને પાછા ઘેાડે ચડે, ત્રણ કલાકમાં જે આડું ભાંગ્યાના ખબર ન આવે તે પ્રાણ કાઢી નાખવા માટે તરવાર પણ તૈયાર રાખીને જ બેસતા.

એક વખત ઉદેપુરના રાણાને કોઢ નીકળ્યો. એણે મેવાડમાં વાત સાંભળી કે કાઠિયાવાડના દરબાર મૂળુ ખાચર પરનારીસિદ્ધ પુરુષ છે. એનું નાહેલું પાણી લાવીને રાણાજી નહાય તો કોઢ ટળે. રાણાના માણસો ચોટીલે પહોંચ્યા. દરબારના માણસો સાથે મતલબ કરી, દરબારનું નાહેલું પાણી એક દિવસ તાવડામાં ઝિલાઈને મેવાડને રસ્તે પડયું. પાછળથી મૂળુ ખાચરને એની ખબર પડી. એના પરિતાપને પાર ન રહ્યો. એણે વિચાર્યું : “ હાય ! હાય ! રાણાનો કોઢ નહિ મટે તો જગતમાં મારે માટે શું કહેવાશે ? એ કરતાં તો મરવું શું ભૂંડું ?” એ ઉદેપુર પહોંચ્યા. છાનામાના જઈને રહ્યા. લેાકેાને મોઢેથી જ્યારે એણે એ પાણી વડે રાણાને કોઢ મટ્યાની વાત જાણી, ત્યારે એને નવો અવતાર આવ્યો. ચોટીલે પાછા વળ્યા.

એવા દેવતાઈ પુરુષને કવિ માનવીની સાથે કેમ કરીને સરખાવે ?