પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૯

આંચળ તાણનારા !

પોતાની દૂધભરી ભાગીરથી જેવી છાતિયું ક્યાં સંતાડશે ?”

દીકરાએ આખી કથા જાણી લીધી. કહ્યું : “બાપુ ! એમાં શી મોટી વાત છે? બાપનાં કરજ તો બેટાઓ ફેડતા જ આવેલ છે. લ્યો, આ પાણી મૂકું છું કે તમારું તેરમું કરીને ચૌદમે જ દા'ડે ટીકર માથે મીઠાનાં હળ જોડાવું.”

“ બસ, બાપ !”

“ ત્યારે કરો સદ્ગતિ.”

મૂળુ ખાચરને જીવ ચાલ્યો ગયો. એના કારજ ઉપર સોરઠની ત્રણે પરજોના કાઠીએ ભેળા થયા. ડાયરાને જમાડીજુટાડી તેરમાની સાંજે આપા મૂળુના પુત્ર સહુને ટીકરના રજપૂતોનું પાપ જાહેર કર્યું તમામ કાઠીઓએ ત્યાંથી પરબારા જ ટીકર ઉપર ચડવાને ઠરાવ કર્યો.

મોડી રાતે સહુ સૂતા તે વખતે મૂળુ ખાચરના બુઢ્ઢા ચારણે છાનામાના ગઢમાં જઈને જુવાનને કહ્યું :

“બાપ, વાંસેથી જગત વાતું કરશે.”

“શી વાતું, દેવ ?”

“ કે બાપને વચન આપતી વખતે તો એકલો જશ ખાટી ગયો, અને અંતે બાયલો ત્રણ પરજુંની મદદ લઈને ગયો !”

“દેવ, તમારાં વેણ એક લાખ રૂપિયાનાં.” પ્રભાતે ઊઠીને એણે મહેમાનોને કહ્યું : “હમણાં તો સહુ પધારો, પછી ટીકર ભાંગવાનો દિવસ ઠરાવશું.”

ત્રણે પરજ વીંખાઈ ગઈ, દીકરો એકલો પોતાનાં જ ઘેાડાં લઈને ચડ્યો. ટીકર ભાંગ્યું, અને કેશવદાસને ઢાંકણિયું ગામ દીધું.