પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૭

દીકરો !

ધાવતાં હોંકારા કરી રહ્યાં છે.

એ વિકરાળ નદીને કાંઠે પંખીના માળા જેવડું નાનું, લાખાપાદર ગામડું છે. લાખાપાદરની ચોપાસ નદીઓ જ ચાલી જાય છે. ચોમાસામાં તો જાણે પાતાળલોકની નાગકન્યાએા પૃથ્વી ઉપર નાચ કરવા નીકળી પડી હોય તેમ અનેક ઝરણાં ફૂટી નીકળે છે. સતજુગના ઋષિ જેવા એક જૂના વડલાની છાંયડી નીચે પથ્થરની ભેખડમાંથી પાણીનો મોટો ધોધ પડે છે. એ ધોધની આસપાસ લોકોએ ગૌમુખી બાંધીને ગૌમુખી ગંગા સ્થાપ્યાં છે. પડખે જ શંકર બેઠા છે. ત્યાં કુદરતે એકસામટી ગુલાબી કરેણ ઉગાડી છે. આંબાની ઘટા જામી છે. નીચે એ ગૌમુખને ઝીલનારે કુદરત માતાએ જાણે માપી કંડારેલો નિર્મળ કુંડ આવેલો છે. નીચાણમાં ઊંડો ધરો છે. વડલા ઉપર મોરલા ટહુકે છે. ગૌમુખીનાં નીર ખળખળે છે. કુંડમાં નાની માછલીઓ તગતગે છે, ને ધૂનામાં મગરે શેલે છે. કુદરતના રૂપમાં કોમળ અને વિકરાળ, બેય રેખા કેવી જુક્તિથી આંકેલી છે ! એવે સ્થળે જન્મનારાં માનવી પણ એક વખત એવાં જ કોમળ અને વિકરાળ હતાં : શૂરવીર ને પ્રેમી હતાં. એ ગામનાં તોરણ બાંધનારો જ આ લાખોવાળો. ધાનાણી શાખનો એ કાઠી હતો.

લાખાપાદર આવીને એણે ભાઈઓને ખબર દીધા કે પોતે દેવાત વાંકનું ભયંકર વેર વહોરેલ છે. સાંભળીને ભાઈઓ પણ થથર્યા.

તે દિવસથી લાખો વાળો પરગામ જઈને રાત નથી રોકાતો. જ્યાં જાય ત્યાંથી ઝાલરટાણે તો ઝાંપામાં આવી જ પહેાંચે.

એ વાતને તો છ-આઠ મહિના થઈ ગયા. લાખા વાળાને લાગ્યું કે દેવાત કાં તો ભૂલી ગયો, ને કાં તો થડકી ગયો. એ રીતે મનમાંથી ફડકો ઓછો થયો.