પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૭

કરપડાની શૌર્યકથાઓ


સૂદલગઢ સૂનો કરે, (જો) જેઠો ભાગ્યો જાય,
(તો) એભલ ચાંપો અાજ, લાજે લાખણશિયાઉત !

હે લાખા કરપડાના દીકરા જેઠા, જે સુદામડું મૂકીને તું આજ તારા બાપની ગેરહાજરીમાં નાસી જા, તે કાઠી કોમના વીર ચાંપરાજ વાળા અને એભલ વાળા * [૧]ના નામને કલંક ચડે.

ચારણની અાંખો લાલચટક બની ગઈ. કોઠો હલમલી ઊઠ્યો. દેવીપુત્રનું મુખ દીપી રહ્યું, એ દેખીને જેઠસૂરે કહ્યું : “મામા, બસ, થઈ રહ્યું. હવે મારે પગે તેની બેડી પડી ગઈ. તમને જીવ વહાલો છે, તો ભેાજાને લઈને ભાગવા માંડો.”

માણસૂર ખવડ ચારણને ગાળો દઈને ભોજાની સાથે ભાગી નીકળ્યો. ચારણ કોઠા ઉપર ઊભો થઈને બુલંદ નાદે ગામને બિરદાવવા લાગ્યો. એનાં ગીતો-છંદોએ ગામ આખાને પાનો ચડાવ્યો. પણ તોય હજુ જેઠસૂર કોઠેથી નીચે ઊતરતો નથી.

સેજકપુરના ભાગદાર વોળદાન ખવડે વાડીએ કોસ હાંકતાં હાંકતાં સુદામડાને તરઘાયો ઢોલ સાંભળ્યો; બળદની રાશ હેઠી મૂકીને પરબારી એણે ઢાલ તલવાર ઉપાડી કોઠાની બારીએ સાદ કર્યો : “જેઠા, સેાનબાઈ માતાની કૂખની કીર્તિ કરતાંય આજ જીવતર વહાલું થઈ પડયું કે? આમ તો જો, આ તલવાર લઈને કોણ નીકળ્યું છે ?”

જ્યાં જેઠસૂર નીચે બજારમાં નજર કરે ત્યાં તો એની માતા સોનબાઈ! જગદમ્બા ઉઘાડે માથે ખડગ લઈ ને બજારમાં આવી ઊભી છે.

“માડી ! એ માડી ! મોડો મોડો તોય આવું છું હો !” એવી હાક દેતો જેઠસૂર ઊતર્યો. બીજા પંદર-વીસ કાઠીઓ


  1. * આ બે પુરુષોની કથાઓ માટે જુઓ 'રસધાર' (ભાગ ૧)ની વાર્તાઓ 'વાળાની હરણપૂજા' અને 'ચાંપરાજ વાળો.'