પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૧૩૮

ઊતર્યા. મોખરે ચાલી ભવાની કાઠિયાણી મા આઈ સોનબાઈ.

મધચોકમાં મુકાબલો થયો. એક બાજુ પંદર-વીસ કાઠી ને બીજી બાજુ બસો પીંઢારા. પણ એક બાજુ વીર જનેતા હતી ને બીજે પક્ષે પાપ હતું. પીંઢારાના સાઠ માણસો કાઠીના ઝાટકા ખાઈને પડયા. ઠેઠ આથમણે ઝાંપે પીંઢારાને તગડી ગયા. પણ ત્યાં તો જેઠસૂર અને વોળદાન, બેય જણા ઘામાં વેતરાઈ ગયા. જાણે મોતને પડકારો કર્યો હોય કે 'જરાક ઊભું રહે, ઝાંપે વળોટવા દે !” એવી રીતે એ બેય જણા પાળને ઝાંપા બહાર કાઢયા પછી જ પડ્યા.

પીંઢારા ચાલ્યા ગયા; ગામ લૂંટાયું નહિ, પણ સોનબાઈની કાયા ઉપર પાંચ ઘા પડી ચૂકયા હતા. જેઠો અને વોળદાન આઘે પડ્યા પડ્યા ડંકતા હતા, તે બેયનાં માથાં પોતાના ઢીંચણ ઉપર રાખીને એક છાપરીની નીચે માતાજી પવન નાખવા માડયાં.

રાત હતી. શત્રુઓ ક્યાં સંતાઈ રહ્યા છે તેની કેાઈને જાણ નહોતી. એાળામાં બે જુવાનોનાં માથાં ટેકવીને આઈ સમાધિમાં બેઠાં હતાં. એમાં ઓચિંતાના એ ઝૂંપડીને ચોયદિશ આગના ભડકા વીંટળાઈ વળ્યા. કાંટાના ગળિયા ખડકીને આગ ચેતાવનાર પીંઢારા હતા.

પોતાના પ્રાણ છૂટ્યા ત્યાં સુધી આઈ સોનબાઈ એ દીકરાના અને ભાણેજના દેહ ઉપરથી અંગારા ખેર્યા હતા. ત્રણે જીવતા જીવ સુદામડાને પાદર 'સમે માથે સુદામડા'ને ખાતર સળગી ભડથું થઈ ગયા.

એ ત્રણેની ખાંભીઓ આજે આથમણે ઝાંપે ઊભેલી છે.