પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની ૨સધાર : ૨

૯૮


એક દિવસ લાખો વાળો ચલાળે ગયેલ છે. ઓઘડ વાળાની ને એના ભત્રીજાની વચ્ચે તકરાર પતાવવાની હતી. સાંજ પડ્યે એણે રજા માગી, પણ ઓઘડ વાળો કહે : “આપા, આજની રાત તે નહિ જાવા દઈએ, અને હવે ક્યાં દેવાત તમારી વાંસે ભમતો ફરે છે?” લાખા વાળો કચવાતે મને રોકાયો.

આંહીં લાખાપાદરમાં શું થયું ? સાંજ પડી અને વાવડ મળ્યા કે : “દેવાત કટક લઈને આવે છે.” ગામનો ઝાંપો બંધ કરી, આડાં ગાડાં ગોઠવી, લોકો હથિયાર લઈ ઊભા રહ્યા. પણ પોતાના મોવડી વિના લોકોની છાતી ભાંગી ગઈ. ઊલટાના લોકો તો આવું વેર હાથે કરીને વહોરી આવનાર લાખા વાળા ઉપર દાઝે બળી ગયા.

દેવાતનું કટક પડયું. ઝાંપા ઉપર લાખાપાદરના કંઈક જુવાન કામ આવ્યા, ઝાંપો તૂટ્યો, કટક ગામમાં પેસીને વસ્તીને ધમરોળવા માંડયું. નક્કી કર્યું હતું કે લૂંટ કરીને સહુએ પરબારા ગામને સીમાડે કોઈ ઝાડ નીચે મળવું. તે પ્રમાણે સહુ ચાલવા માંડયા.

ગામમાં મસાણ જેવી શાંતિ છવાઈ ગઈ. દેવાત સમજતો હતો કે લાખો ઘરમાં સંતાઈ રહ્યો છે. એ લાખા વાળાની ફળીમાં જઈને હાકલા કરવા માંડયો : “કાઠી ! બા'રો નીકળ, બા'રો નીકળ. તે દી તું કયે મોઢે બકી ગયો'તો !”

એારડામાં ઊભી ઊભી લાખા વાળાની સ્ત્રી થરથરતી હતી. એણે જવાબ દીધો : “આપા દેવાત ! કાઠી ઘરે હોત તો શેલને સામે કાંઠે તને લેવા આવત, સંતાત નહિ.”

ઉંચી ઊંચી ઓસરીની એક થાંભલીને ટેકો દઈને લાખા વાળાની દીકરી હીરબાઈ ઊભી હતી. પંદર વરસની ઉંમર થઈ હશે. દેવાતના પડકારા, લોહીતરબોળ ભાલો કે લાલધૂમ આંખો એ છોકરીને મન જાણે કાંઈક જોવા જેવું લાગતું હતું, બીવા