પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૯

દીકરો !

જેવું નહિ, એ શાંત ઊભી હતી. અંધારી રાત્રે જોગમાયા જેવી લાગતી હતી. મોતની લીલા તો જાણે ખૂબ નીરખી હોય તેવી ઠરેલી એની મુખમુદ્રા હતી. પેલા વડલાની છાંયડીએ રમેલી; કછોટા ભીડીને ઝાડવે ચડેલી; ધરામાં ઢબીઢબીને વજ્ર જેવી એની કાયા બનેલી; શેલ નદીના ઘૂનામાં એણે મગરમચ્છના મોંમાંથી બકરું પણ છોડાવેલું : ને હીરબાઈએ તો લાખાપાદરના ચોકમાં, શેલ નદીના કાંઠા ગુંજી ઊઠે એવો 'તેજમલ ઠાકાર'નો રાસડોયે કંઈ કંઈ વાર ગાયો હતો. ગાયું હતું કે:

ઉગમણી ધરતીના દાદા, કોરા કાગળ અાવ્યા રે
એ રે કાગળ દાદે ડેલીએ વંચાવ્યા રે.
કાકો વાંચે ને દાદો રહ રહ રોવે રે
ઉપરવાડેથી તેજમલ ડોકાણાં રે
શીદને રોવો છો દાદા; શું છે અમને કે'જો રે
દળકટક આવ્યું દીકરી, વારે કોણ ચડશે રે !
સાત સાત દીકરીએ દાદો વાંઝિયો કે'વાણા રે !
હૈયે હિંમત રાખો દાદા, અમે વારે ચડશું રે.

દેવાતે જોયું તો ફળીમાં એ કન્યા ઊભી હતી તે થાંભલી પાસે જ એક વછેરો બાંધેલો. બાપ સગા દીકરાને ચડવા ન આપે એવો એ વછેરો હતો. લાખા વાળાનો આત્મારામ એ વછેરો! દેવાતે વિચાર્યું કે 'આ વછેરો લઈ જઈને જગતને બતાવીશ; લાખો વાળો જીવશે ત્યાં લગી નીચું જોઈ ને હાલશે !'

પોતાના હાથમાં ભાલો હતો તે ઓસરીની કોરે ટેકવીને વછેરાના પગની પછાડી છોડવા દેવાત નીચે બેઠો, માથું નીચું રાખીને પછાડી છેાડવા મંડયો. બરડો બરાબર દીકરી હીરબાઈના સામો રહ્યો.

એારડામાંથી મા કહે , " બેટા હીરબાઈ, આંહીં આવતી ૨હે."