પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૧૦૦


પણ હીરાબાઈ શું જોઈ રહી છે ? તૈયાર ભાલો, તૈયાર બરડો અને નિર્જન ફળિયું ! વિચાર કરવાનો એને વખત નહોતો, એણે ભાલો ઉપાડ્યો; ત્યાં ઊભાં ઊભાં જ બે હાથે ઝાલીને એ જોગમાયાએ દેવાતના પહોળા બરડામાં ભાલાનો ઘા મૂકયો. ભચ દેતો ભાલો શરીર સોંસરવો ગયો. દેવાતને ધરતી સાથે જડી દીધો.

નીચે ઊતરી દેવાતની જ તલવાર કાઢી હીરબાઈએ એને ઝાટકા મૂકયા. શત્રુના શરીરના કટકા કર્યા. પછી માને બેાલાવી : “માડી, પછેડી લાવ્ય, ગાંસડી બાંધીએ.”

દાણાની ગાંસડી બાંધે તેમ ગાંસડી બાંધીને ઓરડામાં મૂકી દીધી, કોઈને ખબર ન પડવા દીધી.

ધીમે ધીમે ગામમાંથી આખી ફોજ નીકળી ગઈ હતી. સહુને મન એમ હતું કે દેવાત તો મોઢા આગળ નીકળી ગયો હશે.

દીકરીએ તે જ ટાણે ગઢવીને બોલાવ્યા. કહે : “ગઢવા, ચલાળે જાઓ; ને બાપુને કહો કે પરબારા કયાંય ન જાય. અાંહીં આવીને એક વાર મોઢે થઈને પછી ભલે દેવાતની સામે જાય, પણ પરબારા જાય તો મને મરતી દેખે.”

ગઢવી ચલાળે પહોંચ્યા. દરબારે વાત સાંભળી કે દેવાતે ગામ ભાંગ્યું. લાખા વાળાને માથે જાણે સાતે આકાશ તૂટી પડયાં ! ' હવે હું શું મોઢું લઈ લાખાપાદર આવું ? પરબારો શત્રુઓને હાથે જ મરીશ... પણ એકની એક દીકરીના સમ ! ડાહી દીકરી શા સારુ બોલાવતી હશે ? મારાં સંતાનને મારું મોઢું કાળું કરવાની કુમતિ સૂઝે શું ? કાંઈક કારણ હશે ! જાઉં તો ખરો.'

દરબાર ઘેર પહોંચ્યા ત્યાં ધીરેક રહીને દીકરીએ કહ્યું: “બાપુ, તમારે જાવું હોય તો ભલે, પણ કટક કોરું નથી ગયું, એક જણને તો મેં આંહીં રાખ્યો છે.”