કાળો મરમલ
તમે તો રજપૂતાઈનો આડો અાંક વાળ્યો, કેમ કે હજુ તો લંકા
તમે હાથ કરી નહોતી, તે પૂર્વેથી જ વિભીષણને તમે એનું દાન પણ
કરી નાખેલું,
વળી, હે રઘુવીર !
અનેક ભગત ઓધારિયા, નકળંક લેતાં નામ,
તું તારે દશરથ તણા, (તું ને) રંગ હો સીતારામ !
હે નિષ્કલંક નરોત્તમ, તારાં તો નામ લેતાં તેં અનેક ભક્તોનો ઉદ્ધાર કર્યો. હે સીતારામ, રંગ હો બાપ ! રંગ હો તમને ! રંગ હો, ઝાઝા !
એમ કહીને પછી ગઢવી કટોરી હોઠે માંડતા. કટોરી લીધા પછી ધીરે ધીરે ચડતા કેફમાં ગઢવીની અાંખો લાલચટક બનતી, હોકાની ઘૂંટો ટૌકા કરતી, ચલમના અંગારાયે જાણે કે જામીને વાતો સાંભળતા વાતોની વચ્ચે વચ્ચે ગઢવી ખાનદાનીના બોધ દેતા – મા છોકરાને મીઠપથી પંપાળીને દવા પાય તે રીતે જ્ઞાન પાતા : શૂરવીરતાના મર્મો સમજાવતા કે:
ધનકું ઊંડા નહિ ધરે, રણમેં ખેલે દાવ,
ભાગી ફેાજાં ભેડવે, તાકું રંગ ચડાવ !
હે બાપ કાળા, ઝાઝા રંગ દઈએ એવા વીરને કે જે સૂમની માફક ધનને ઊંડાં ન સંઘરી રાખે, પણ છૂટે હાથે વાપરે; રણમાં દાવ ખેલે, ને જે ભાગતાં દળકટકને પણ પડકારી, પાણી ચડાવી ધીંગાણામાં એારે, વળી ભાઈ !
તન ચોખાં મન ઊજળાં, ભીતર રખ્ખે ભાવ,
કિનકા બૂરા નહ કહે, તાકું રંગ ચડાવ !
ઝાઝા રંગ હોજો એવા શૂરવીરોને કે જેના દેહ પવિત્ર છે, દિલ ઉજ્જ્વળ છે, ને જે કોઈનું બૂરું બોલે નહિ, કે ચિંતવે નહિ. એય