લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rasdhar 2 - D.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૧૬૪

શરમના શેરડા પડે, એવી વિશેષ શરમની ચેષ્ટાઓ એને કોઈએ શીખવેલ નથી. વાહ રે મેરાણી તારાં રૂપ ! કોઈ ઊંડી ઊંડી નદીની કારમી ભેખડ ઉપર રસ્તો ભૂલી, ઘોડી થંભાવીને ઊભા રહી તારી મદદની વાટ જોવાનું કોને ન ગમે ? આત્માના રંગ જેવું નિર્મળું હાસ્ય હસીને તું રસ્તો બતાવવા આવે એ જીવનલહાણ કેવી દોહ્યલી છે ! તેં સુભટો જન્માવ્યા : પ્રેમિકો પ્રગટાવ્યા : કોઈ કોઈ વખત કામીઓને શાપથી બાળ્યા : અને કામદેવની આગમાં તું યે કયાં નથી ખાખ થઈ?

આવું એક રૂપ જૂનાગઢના નવાબના આંગણામાં રમતું હતું. કાળુજી નામનો એક મેર જૂનાગઢની ચાકરીમાં હતો. તેને ઘેર એક બહેન હતી. નવાબની નજર એ સુંદરીના શરીર ઉપર પડી. નવાબ બેભાન બન્યો. એણે કાળુજીને તેડાવ્યો. દલીલ કરી : “ દેખો ભાઈ ! રાણીજાયા બી સોઈ, એાર બીબીજાયા બી સેાઈ, સમજ ગયા ? માગ લે, ચાય ઈતની સોનામહોર માગ લો, કાળુજી મેર ! રાણીજાયા બી સેાઈ, બીબીજાયા બી સેાઈ!”

“હું વિચારી જોઈશ.” એમ કહીને કાળુજી ઊઠયો. થોડી વારે નવાબને ખબર થઈ કે કાળુજી તો ઉચાળા ભરીને જાય છે.

કામાંધ નવાબ કરડો થયો. “હેં : એમ કેમ જાવા દેશું ? જેરાવરી કરીને એની બોનને ઉઠાવી લાવો. જૂનાગઢના તમામ દરવાજા બંધ કરાવો.”

કાળુજીએ ઉચાળા પડતા મૂકયા. બાળબચ્ચાંને રામરામ કર્યા. અંધારી રાતે એણે બહેનને પડકારી : “બહેન ! આવી જા ઘોડી માથે, મારી બેલાડ્યે. કાં તો ભાઈ-બહેન નીકળીએ છીએ ન કાં બેઉ જણાં ભેળાં જ પ્રાણ કાઢીએ છીએ.”

એક જાતવંત ઘોડી ઉપર ભાઈ-બહેન અસવાર થયાં. બહેનના દેહને ભાઈએ પોતાના દેહ સાથે કસકસીને બાંધી લીધો.

હાથમાં લીધી તલવાર, બહેનના હાથમાં ઝલાવ્યો ભાલો.