મૂળુ મેર
ખવાસે રાણાને કહેણ મોકલ્યું : “વડાળું ભાંગીશ.”
રાણાએ જવાબ વાળ્યો : “ ખુશીથી, મારો મૂળુ મેર તમારી મહેમાનગતિ કરવા હાજર જ છે.”
જેઠવાની અને જામની ફોજો આફળી. એક મહિનો ને આઠ દિવસ સુધી યુદ્ધ ચાલ્યું.
એક મહિનો ને આઠ દી, ઝુલાવ્યો તેં જામ,
ગણીએ ખવે ગામ, મા ભડ વડાળું મૂળવા!
પછી મેરામણ ખવાસે 'લક્કડગઢ' નામના એક હાલીચાલી શકે તેવો કાષ્ઠનો કિલ્લો કરાવ્યો. ધીરે ધીરે લક્કડગઢને ભેટાળીની નજીક નજીક લાવતા ગયા. આખરે લક્કડગઢમાંથી નીકળીને જામના સૈન્યે ભેટાળીની ભીંતે ચડવા માંડયું. ત્યાં અંદરના મૂળુના સૈન્યની બંદૂકો છૂટી. લક્કડગઢમાંથી હારો હારો દાણા સમાય એવડાં નગારાં મૂળુ (મીણંદનો ) ઉપાડી આવ્યો અને જામની સેનાને નસાડી.
લાદા તંબુ લૂંટિયા, નગારાં ને નિસાણ,
માથે હરમત મૂળવો, ખાંડા હાથ ખુમાણ.
જામનું રાવલ નામે ગામ જે નજીક હતું, તેમાં મૂળુએ હાક બેાલાવી.
વડાળા સું વેર; રાવળમાં રે'વાય નૈ,
મોઢો જાગ્યો મેર, માથાં કાપે મૂળવો.
જેઠવાના ગામ વડાળા સાથે વેર થયા પછી રાવળ ગામમાં જામની ફોજથી રહેવાતું નથી, કેમ કે મોઢવાડિયો મેર મૂળુ એવો જાગ્યો છે કે માથાં કાપી લે છે.
રાવળ માથે આવિયો, રવ્ય ઊગમતે રાણ,
મોર્યે પૂગે, મૂળવો, ખાંડા હાથ ખુમાણ