આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૧
મૂળુ મે૨
પંજો ચડાવી મૂળુ ભગત એમાં ભાલું ઝાલી રાખતા, જમૈયો
દીધો હતો તે કમરમાં પહેરતા, અને એક નેજો ને બે નગારાં
દીધાં તે લઈને મૂળુ મેર વરસોવરસ દશેરાની સવારીની અંદર
પોરબંદરમાં મોખરે ચાલતા.
[આજ મોઢવાડાની અંદર એની પાંચમી પેઢીએ સામતભાઈ મેર હયાત છે. સામતભાઈના ઘરમાં એ નગારાં, એ નેજો, એ લીલા (નીલમ જેવી કોઈ ચીજના બનાવેલા ) હાથાવાળો છરો અને એ લોઢાનો પંજો મોજૂદ છે. એ છરાને હાથે ધોઈને પાણી પીવાથી કેટલીક સ્ત્રીઓની પેટપીડા મટી હોવાનું મનાય છે, અને નેજો-નગારાં હજુ પણ જેઠવા રાજાની સવારીની મોખરે ચાલે છે, નગારાં તૂટી જાય તો તેની મરામતનું ખર્ચ રાજ આપે છે, મૂળુની ડેલીમાં વૈભવવિલાસ નથી, માઢમેડી નથી; નીચી એાસરીવાળા, સાદા માટીના ઓરડાની અંદર એનો પરિવાર વસે છે. ઓસરીની ભીંતે ચિત્રો કાઢે છે, અને સ્ત્રીપુરુષ બધાં ખેડ કરે છે. ડોશીઓ રેંટિયો કાંતે છે.]