વિક્રમ સંવત ૧૬૩૦ના વર્ષમાં, એક દિવસે, નવાનગરના જામ સતાજીના દરબારગઢમાં એક ચારણ રઘવાયો બનીને આમતેમ દોડતો હતો. દરબારગઢના દરેક માણસને, પશુને અને પથ્થરને જઈ પૂછતો હતે : “ મારો રાણો કયાં ?”
“મારો રાણો કયાં, મારો રામદેવજી કયાં? રાણાને પાછો લાવો !” એવી એવી એ ચારણની કળકળતી બૂમોથી દરબારગઢના પથ્થરો ધણધણી ઊઠયા, ને આખો ગઢ કોઈ ઉજજડ ભૂતખાનાની માફક સામે પડઘા પાડીને પૂછવા લાગ્યો :
“રાણો કયાં ?”
માણસો એકબીજાને પૂછવા લાગ્યા : “રાણો કયાં ?”
કોઈએ ચારણને કહ્યું : “રાણાની મામીઓ એને મળવા ઝંખતી હતી, તે રાણો ગઢમાં ગયા છે.”
ફડકે શ્વાસ લેતો ચારણ થોડી વાર વાટ જોઈને બેઠો. પણ રાણો મામીએાના ખોળામાંથી પાછો વળ્યો જ નહિ. રાણીએાના માઢમાંથી નીકળનારા એકેએક માણસનું મોં કાળું શાહી જેવું થઈ ગયેલું દેખાતું હતું. ચારણ પૂછતો હતો : “ રાણો કયાં ?” માણસો અબોલ બનીને ચાલ્યા જતા હતા. દરબારગઢના ઝરૂખા સામે ઊભા રહીને ચારણ ચીસ પાડી ઉઠયો : “ રાણા ! બાપ રાણા ! નીચે ઊતર. તારી માને મેં ખોળાધરી આપી છે. મારા રાણાને લાવો! રાણાને પાછો લાવો !”
ચારણ બાવરો બન્યો. ઝરૂખાની ભીંત સાથે માથું