લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rasdhar 2 - D.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધા૨ : ૨

૧૭૬

પડની નીચે આખે આખી હેમની ઈંટ હતી. બધી ઈંટેામાં એ જ ભેદ જડ્યો. ધણીની ધરતી હાથ કરવા માટે સ્વપ્નમાંયે ઝંખતી રાણીને હૈયે હવે હિંમત આવી.

એક દિવસ રાણીએ પૂછયું : “આ રબારીઓ ભેંસોને રાતમાં કયાં લઈ જાય છે ?”

મેરોએ જવાબ દીધો : “માડી, પહર ચારવા.”

"પહર એટલે?"

“એટલે અધરાતથી સવારોસવાર લગી ભેંસોને લીલાં ઘાસ ચારીને ધરવ કરાવે. સવારે ભેંસો દોણાં ભરીને દૂધ આપે.”

“ત્યારે હું મેરોને અને રબારીઓને પહર ચારું તો?”

“તો તને તારું રાજ કરી દિયે !”

હેમની ઈંટો વેચી-વેચી કલાંબાઈએ મેરોને અને રબારીઓને મીઠાઈ ખવરાવવા માંડી. ખવરાવવા-પિવરાવવામાં કાંઈ ખામી ન રાખી. છ મહિના થયા ત્યાં તો મેરોએ અને રબારીએાએ હાથીનાં કુંભસ્થળ જેવાં કાંધ કાઢયાં, લોઢાની ભેાગળ જેવા બધાના હાથ બન્યા, શરીરનું જોર ફાટફાટ થવા લાગ્યું. ત્યાર પછી મેર-રબારીએાએ કહ્યું : “માડી, હવે હુકમ કર, હવે નથી રહેવાતું. ”

રાણીનો હુકમ થયો. મેરોની ફોજ ચડી. જામ સતાજીનો ભાઈ ખેંગારજી બાર ગામ લઈને નગરથી ઊતરેલો, તેના મુખ્ય ગામ રાવળ ઉપર તૂટી પડયા, કેમ કે રામદેવજીને મરાવી નાખનાર બંગારજી જ હતા. મેરોએ ગઢ ભેળી લીધે, પણ ખેંગારજી કોઠા ઉપરથી નીચે ઊતરતો નહોતો.

ત્યારે ચારણે કહ્યું : “આજ ખેંગારજી કોઠામાં ન હોય, કોઠો ખેંગારજીમાં હોય.”

ખેંગારજી ઊતર્યો ને મરાયો. એનું માથું કાપીને મેરો ક્લાંબાઈ પાસે લાવ્યા. રાવળ ગામ લૂંટીને ખેંગારજીના નગારાં લઈ ગયા.આજ પણ રાણાને ઘેર 'ખેંગાર-નગારાં' પડયાં છે.