સોરઠને આથમણે કાંઠે રાણાવાવ નામે એક ગામ આવેલું છે. “રાણાવાવ” નામની એક વાવ ઉપરથી જ ગામનું નામ પણ રાણાવાવ પડયું હતું. એક વખત ત્યાં હળવાં ફૂલ જેવાં, ખેડૂતોનાં ખોરડાં હતાં. માના થાનેલા ઉપર ચડીને જેમ નાનાં બાળકો ધાવતાં હોય તેમ કણબીનાં કુટુંબો ધરતી માતાને ખોળે બેસીને ધાન ઉગાડતાં ને પેટ ભરતાં. તે દિવસોની આ વાત છે.
ગામમાં ખેતો પટેલ કરીને એક કણબી રહે. એને ઘેર એક દીકરી. નામ તો હતું અજવાળી. પણ એને 'અંજુ' કહેતા. અંજુ મોં મલકાવે તે ઘડીએ ચોમેર અજવાળાનાં કિરણો છવાય. ભળકડે ઊઠીને અંજુ રોજ દસબાર રોટલા ટીપી નાખે, બબ્બે ભેંસોની છાશ ઘમકાવી કાઢે, ચાર-ચાર બળદોનું વાસીદું ચપટી વારમાં પતાવીને ફૂલ જેવું આંગણું કરે, અને કાંડા કાંડા જેવા એ ભેંસેાના અાંચળને જ્યારે મૂઠી વાળીને અંજુ ખેંચતી હોય ત્યારે શું એ દૂધની શેડો વછૂટતી ! ઘણાય મહેમાન આવતા, ને ખેતાની પાસે અંજુનું માગું નાખતા.
ખેતો કહેતો : “હજી દીકરી નાની છે. ”
ખેતા પટેલને આંગણે એક દિવસ એક જુવાન કણબી સાથી રહેવા આવ્યા. અંગ ઉપર લૂગડાં નહોતાં. મોઢા પર
નૂર નહોતું, પણ માયા ઊપજે એવું કાંઈક એની આંખમાં હતું.