પૃષ્ઠ:Rasdhar 2 - D.pdf/૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૯

કરપડાની શૌર્યકથાઓ

બેાલ્યો : “કાકા, દગો ?”

ચાલતી ઘોડીએ ડોસો કહેતો ગયો: “બા, ફિકર કરશો મા. કાલ સવારે તમારી ઘોડી પાછી પહોંચાડીશ. આ તો દગો કહો, તો દગો !”

એમ કહીને વિસામણ કરપડે ઘેાડી વહેતી મૂકી. બપોરે ઉબરડે આવ્યો. બધા સમાચાર લઈને ગેાસળ ગયો. ત્યાંથી અઢારે જુવાનોને લઈ ગીરમાં ગયો. ત્યાંથી જેતપુર દરબાર મૂળુ વાળાની મદદથી ધ્રાંગધ્રા સામે બહારવટું માંડયું.

કરપડાના બહારવટાએ ધ્રાંગધ્રાને ડોલાવી નાખ્યું. આખરે જીવા જમાદારે વિચાર કર્યો : “આ પાપ મારે માથે છે. મેં એને જીવતો જાવા દીધો ત્યારે આમ બન્યું ને ! એની વાંસે મારે જ મરવું જેઈએ.”

જીવો જમાદાર ઘોડે ચડ્યો. રાજસાહેબે ઘણો સમજાવ્યો, પણ જીવો માન્યો નહિ. પોતાની ફોજ સાથે એ ઉબરડે જઈ રાત રહ્યો. સવારમાં પડાવ ઊપડયો ત્યારે ગાયોનું ધણ પહર ચરીને ઝાંપામાં દાખલ થતું હતું. ગાયોની ધકબકને લીધે ઘેાડેસવારેના ઘેાડા થંભી રહ્યા. ગાયો ઘેાડાંને શિંગડે મારવા લાગી એટલે સવારો ભાલાં લઈને ગાયોને મારવા લાગ્યા. આ નિર્દયતા જોઈ ગોવાળની અાંખમાં લોહી વરસ્યું. એ બોલ્યો :

“ ગાયનાં શીંગ નથી ખમાતાં, તો કરપડાનાં ભાલાં શેં ખમાશે? આ પડ્યા તમારા કાકા આ – આ સીમાડાની તળાવડીએ. જાઓ ને મરદ હો તો !”

ગોવાળને ખૂબ માર મારીને ફોજ તલાવડી તરફ ચાલી નીકળી, રાતે માવઠું થયેલું, એટલે બહારવટિયાના સગડ તેા ચેાખ્ખા હતા. તલાવડીએથી એ ટુકડી નીકળીને ગઈ હતી. નીકળીને સુદામડાને પડખે ભમરાના ડુંગરામાં આશરો લઈ લીધેા હતેા.