પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

દિલાવર સંસ્કાર [ પ્રવેશક ]

17

ભાઈને તિલક કર્યું. આજ એ 'મોટાભાઈ'નાં પ્રેમલગ્ન અને બલિદાનમાંથી ચાલેલી ઓલાદ મોજૂદ છે. બખરલાની મેર રમણીએાનાં લાવણ્યમાંથી આજે પણ જાણે એ પ્રેમ ને બલિદાનની સુગંધ મહેકે છે. મરદોની મુખ-કાન્તિમાં પણ પ્રેમશૌર્યવંત માબાપની લગ્ન-કથા લખાયેલી લાગે છે આજ પણ 'મોટાભાઈ' પદ ચાલ્યું આવે છે. એક પછી એક તમામ જેઠવા રાજાએ પોતાના રાજ્યારોહણને 'મોટાભાઈ'ના લોહીના તિલક વિના અધૂરું ગણ્યું છે. અને આજ જોકે વીરમ પટેલના લોહીનું તિલક લેવા પૂરતી એકતરફી જ વિધિ કરવામાં આવી છે, પરંતુ પ્રાચીન રિવાજ તો એવો ચાલ્યો આવતો હતો કે તિલક કરનાર 'મોટાભાઈ'ને રાજ તરફથી છડી વગેરે એનાયત થાય. આજ લગભગ ફરજિયાત અને એકતરફી બની ગયેલી આ ક્રિયામાં પણ એક સુંદર શોણિત-મિશ્રણની યાદગીરી રહી ગઈ છે.

ભીલ-ક્ષત્રી

નીલીછમ નાઘેરના દીવ પરગણામાં કોળીની એક શાખા વસે છે. ઘણું કરીને એની શાખ ગોહેલ છે. એ પ્રજા કોના વીર્યમાંથી જન્મી ? કોઈ કામી પુરુષનું એ વીર્ય નહોતું. એ તો હમીરજી ગોહિલનું તુખમ હતું. સોમૈયો મહાદેવ જેટલો એ જુવાનને વહાલો હતો તેટલો તો પ્રભાસના ઉપવીતધારી ને વેદગામી પૂજારી બ્રાહ્મણોને પણ નહોતો. ચારસો વરસ પહેલાં ત્રીજી વાર એ સોમનાથ પર ઇસ્લામની તલવારનો પડછાયો પડ્યો. બ્રાહ્મણો નાઠા. ક્ષત્રિયો લપાઈ ગયા. ત્યારે અરઠીલા ગામના ભર્યા ઘરમાંથી કુંવારો કનૈયો હમીરજી એકલો ચાલી નીકળ્યો. રસ્તે ગીરમાં વેગડા ભીલની મહેમાની સ્વીકારી. મેાતને માર્ગે જતાં જતાં પણ એ ગંગાજળિયા ગોહિલને પ્રેમ લાગ્યો. કોની સાથે ? વેગડા ભીલની કાળી કાળી કન્યા સાથે. જીવનના ગોધૂલિ-સમયે, પહાડોની નિર્જન છાંયડીમાં, પ્રકૃતિના રમ્ય મંડપ નીચે એ લગ્ન હતાં. એક ઊંચી રજપૂત જાતિ, બીજી ભીલ જાતિ : એક જ રાત્રિનો ઘરવાસ : બીજે દિવસે સોમૈયાને શિર-સમર્પણ: એ લગ્નમાં વાસના ક્યાં હતી ? એક જ રાત્રિના સંબંધ માટે જીવનપર્યંતનું વૈધવ્ય સ્વીકારનાર એ